રાજકોટના પડધરી તાલુકાના તરઘડી ગામે હાઈવે ટચ 12 એકર જમીન કે જે 1952માં બિનખેતી થઈને 58 પ્લોટ પાડીને વેચી દેવાઈ હતી તેને પૂર્વ કલેક્ટર એચ.એસ. પટેલે પુન:ખેતીમાં ફેરવી એક બે નહીં, 58 દસ્તાવેજોને નકારી 60 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરી એક જ ખાતે કરી દીધી છે. આ પ્રકરણનો પર્દાફાશ બાદ રેવન્યૂ વિભાગમાં તપાસ શરૂ થઈ છે. તત્કાલીન કલેક્ટર આ કૌભાંડ કરવા માટે એટલા ઉતાવળા હતા કે માત્ર 48 દિવસમાં જ આ બધી પ્રક્રિયા પૂરી કરી હુકમ કરી નાખ્યો હતો.
2008માં એચ.એસ. પટેલે પુન:ખેતીનો હુકમ કરી દીધો ત્યારે મોટાભાગના પ્લોટધારકો બહારગામના હોવાથી અણસાર આવ્યો ન હતો. જો કે તે સમયે રાજકોટ રહેતા હિમાલીબેન હરેશભાઈ રૂપારેલિયા નામના પ્લોટધારકને આ ગેરરીતિ ધ્યાને આવતા તેઓએ અરજી કરી હતી પણ સામે પક્ષે કૌભાંડ આચરનારાઓ અધિકારીઓ અને ભૂમાફિયાઓ હોવાથી તેમની અરજી અન્વયે કોઇ કાર્યવાહી થઈ ન હતી. આ દરમિયાન મે-2011માં તત્કાલીન કલેક્ટર રજા પર હોવાથી તે સમયે જિલ્લા વિકાસ અધિકારી નલિન ઉપાધ્યાયને કલેક્ટરનો ચાર્જ અપાયો હતો. તે સમયે આ ગેરરીતિ તેમના ધ્યાને આવી હતી. સામાન્ય રીતે આવા ગેરરીતિના કોઇ પ્રકરણમાં ઈન્ચાર્જ અધિકારી હાથ નાખતા ન હોય પણ રેકર્ડ પર મસમોટી ગેરરીતિ કરીને આચરેલા કૌભાંડ બાદ જો જમીન વેચાઈ જાય તો પ્લોટ લેનારાઓનું હિત જોખમાય તેમ હતું. જેથી તેઓએ આ કેસમાં સુઓમોટો લઈને 2008ના પુન:ખેતીના હુકમ પર સ્ટે આપી દીધો હતો. જેને કારણે આ જમીનનું વેચાણ થતું અટક્યું હતું. જો તેઓએ આ સ્ટે ઓર્ડર ન આપ્યો હોત તો અત્યાર સુધીમાં જમીન માફિયાઓએ કેટલાય લોકોને જમીન વેચી નાખી હોત.