ચૂંટણી પહેલાં ઈમરાન ખાન જબ્બર ફસાયા!

ગેરકાયદે નિકાહ કેસમાં શનિવારે પાકિસ્તાનની અદિયાલા જિલ્લા જેલમાં કામચલાઉ અદાલત દ્વારા ઇમરાન ખાન અને બુશરા બીબીને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. વાસ્તવમાં બુશરાના પૂર્વ પતિ ખાવર ફરીદ માણેકાએ તેમના નિકાહને છેતરપિંડી ગણાવતી અરજી કરી હતી.

આ સાંભળીને જજ કુદરતુલ્લાએ બંનેના નિકાહને ગેર-ઇસ્લામિક જાહેર કર્યા અને 5 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકાર્યો. ચુકાદા સમયે ઈમરાન ખાન અને બુશરા બીબી બંને કોર્ટમાં હાજર હતાં. આ કેસની સુનાવણી શુક્રવારે અદિયાલા જેલમાં 14 કલાક સુધી ચાલી હતી, ત્યાર બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.

ખાવર ફરીદ માણેકાએ આરોપ લગાવ્યો હતો કે બુશરાએ ઈદ્દતની મુદત પૂરી કર્યા વિના જ ખાન સાથે નિકાહ કર્યા હતા. વાસ્તવમાં ઇસ્લામમાં ઇદ્દત એ છૂટાછેડા પછી પુનર્લગ્ન વચ્ચેનો એક નિશ્ચિત સમય છે.

માણેકાએ ખાન પર તેમનું લગ્નજીવન બરબાદ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. પાકિસ્તાનના જિયો ન્યૂઝ સાથે વાત કરતાં માણેકાએ કહ્યું- અમારા નિકાહને 28 વર્ષ થઈ ગયાં હતાં, અમે ખુશહાલ જીવન જીવી રહ્યાં હતાં. પીરી મુરીદી હોવાની આડમાં ઇમરાને અમારા સુખી પરિવારને બરબાદ કરી નાખ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *