રાજકોટ શહેર-જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત મોટામવામાં ગેરકાયદેસર દબાણ દૂર કરી દેવામાં આવ્યું હતું. હવે ખુલ્લી કરાયેલી જમીન ફરતે ફેન્સિંગ કરાશે. અંદાજિત રૂ.100 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે. સરકારી જમીન પર ઓરડી અને ખેતીવિષયક સહિતના દબાણો ખડકી દેવાયા હતા.
શહેરના મોટામવા વિસ્તારમાં સરવે નંબર 180 પૈકીની 5થી 6 એકરની જમીન પર અનધિકૃત રીતે દબાણો ખડકી દેવામાં આવ્યા હતા. આ દબાણ દૂર કરવા માટે મામલતદારે નોટિસ પણ આપી હતી. આમ છતાં તે દબાણો દૂર નહીં કરાતાં આખરે વહીવટી તંત્રે બુલડોઝર ફેરવી દીધું હતું. જોકે જ્યારે દબાણ દૂર કરવામાં આવ્યા ત્યારે દબાણકર્તાઓના ટોળાં ઊમટી પડ્યા હતા, પરંતુ આખરે મામલો થાળે પાડવામાં આવ્યો હતો. સરકારી જમીન પર ખેતીવિષયક દબાણો, રહેણાક માટે ઓરડી ખડકી દેવામાં આવી હતી. જે જમીન ખુલ્લી કરવામાં આવી છે તેના ફરતે હવે ફેન્સિંગ કરવામાં આવશે.જેથી કરીને કોઇ દબાણકર્તાઓ ફરીથી જમીન પર કબજો ન કરી શકે. રાજકોટ શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આ કાર્યવાહી કરાઇ હતી.