અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખાઓના આતંક બાદ સફાળી જાગી ઉઠેલી પોલીસે 100 કલાકમાં જ અલગ-અલગ જિલ્લાઓમાં ગુનાખોરી સાથે સંકળાયેલા 7 હજારથી વધુ લુખ્ખાઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ પૈકીના જે ગુનેગારોએ ગેરકાયદે બાંધકામ ખડક્યા હોય કે વીજચોરી કરતા હોય તેની સામે 19 માર્ચ, 2025ને બુધવારથી જ સરકારે એક્શન લેવાનું શરૂ કરી દીધું છે. સરકારની આ કામગીરી સામે કોંગ્રસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સવાલ ઉઠાવ્યા છે અને ગૃહમંત્રીને ચેલેન્જ ફેંકી જાહેરમાં ચર્ચા કરે તો ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ તેઓ આપશે. એટલું જ નહિ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરી આ કામગીરી માત્ર દેખાડો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
ગતવર્ષે વ્યાજખોરોના દરબાર આખા ગુજરાતમાં કર્યા હતાઃ ઇન્દ્રનીલ કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગૃહમંત્રીએ કહ્યું કે અમે ગુજરાતમાંથી ગુંડાગીરીને મટાવીને રહેશું. આ ભાજપનો ફરીવાર દેખાવાનો ખેલ છે. ગતવર્ષે વ્યાજખોરો માટેના દરબાર આખા ગુજરાતમાં કર્યા હતા પરંતુ હજુ વ્યાજખોરો બેફામ ફરી રહ્યં છે. આ કામગીરી ભાજપનો માત્ર દેખાડો છે. ગુજરાતમાં ગુંડાગીરી ખુદ ભાજપ કરી રહી છે. ભાજપને મત નથી લાવી દેતા, હપ્તા નથી આપતા, ભાજપ સરકાર કહે તે નથી કરી રહ્યા તેવા લોકો સામે કાર્યવાહી કરી સરકાર દેખાડો કરી રહી છે.