રાજકોટના ડો.યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં વોંકળા પર બોક્સ કલવર્ટની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી ધીમી ગતિએ ચાલી રહ્યાની ફરિયાદ ઊઠી છે ત્યારે મહાનગરપાલિકાના સત્તાવાર સૂત્રોએ જણાવ્યા અનુસાર હવે જો મેઘરાજા વિઘ્ન ન કરે તો આગામી જુલાઇ સુધીમાં નવા વોંકળાની કામગીરી પૂરી કરવાનો લક્ષ્યાંક છે.
મનપાના સેન્ટ્રલ ઝોનના સિટી એન્જિનિયર અતુલ રાવલે જણાવ્યું હતું કે, તાજેતરમાં બે વખત માવઠા થતાં સર્વેશ્વર ચોકના વોંકળામાં પાણી ભરાતા બોક્સ કલવર્ટની કામગીરી ઢીલમાં પડી હતી. જો હવે વરસાદ વિલન ન બને તો અમારે એક મહિનામાં મેઇન કામગીરી અને બે મહિનામાં સમગ્ર પ્રોજેક્ટ પૂરો કરવાનો લક્ષ્યાંક છે. તાજેતરમાં માવઠાને કારણે વોંકળામાં બાંધેલા 22 મીટરનું લોખંડ છોડવું પડ્યું હતું અને ફરીથી બાંધવું પડ્યું હતું. એકવખત જો નીચેનો રીફટ સ્લેબ ભરાઇ જાય તો કચરો ન ભરાઇ અને બે મહિનામાં આખો પ્રોજેક્ટ પૂરો કરી શકાય. હાલમાં મોટાભાગનું કામ પૂર્ણ થઇ ગયું છે અને કામ વરસાદના વિઘ્નને કારણે જ અટકી રહ્યું છે. જો મેઘરાજા વિલન ન બને તો બે માસમાં ડો.યાજ્ઞિક રોડ ફરીથી ધમધમતો થઇ જવાની શક્યતા છે.