અટલ સરોવર પાસે રોંગ સાઇડમાં આવતા આઇસરે ટુ-વ્હીલરને અડફેટે લેતા પત્નીની નજર સામે પતિનું મોત

રાજકોટ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ પર અટલ સરોવર નજીક રોંગ સાઈડમાં આવતા આયસરચાલકે બાઈકને અડફેટે લેતા ઇલેટ્રિકલ એન્જિનિયર યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે તેની પત્ની ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવની કરૂણતા એ છે કે, મૃત્‍યુ પામનાર યુવાનના હજુ છ મહિના પહેલા જ લગ્ન થયા હતા. તે મૂળ રાજકોટ જિલ્લાના જામકંડોરણાના ભાદરા ગામનો વતની હતો અને થોડા સમય પૂર્વે જ નોકરી અર્થે મેટોડા રહેવા આવ્યો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.

રાજકોટ શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ પર ગઈકાલે મોડીરાત્રિના અટલ સરોવર નજીક રોંગ સાઇડમાં આવતા આઇસર જીજે.03.બીસી.7030ના ચાલકે ટુ-વ્‍હીલરને અડફેટે લેતા મેટોડા રહેતો મૂળ જામકંડોરણાના ભાદરા ગામનો નયન મુકેશભાઈ વીરડિયા (ઉં.વ.25) તથા પાછળ બેઠેલી તેની પત્‍ની હેપ્‍પીબેન (ઉં.વ.24) ફંગોળાઇ જતાં ગંભીર ઇજા પહોંચી હતી. 108ના ઇએમટી રૂપેશ નનેરા અને પાઇલોટ સુનિલભાઈ પહોંચ્‍યા હતા અને ઘાયલ થયેલા હેપ્‍પીબેનને ખાનગી હોસ્‍પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે પતિ નયનભાઈનું ઘટનાસ્‍થળે જ મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *