શહેરમાં માયાણીનગરમાં રહેતા આધેડે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. કેટલાક સમયથી કંઇ કામધંધો કરતાં ન હોય જેથી કંટાળી પત્ની છેલ્લા એક માસથી તેની પુત્રીને લઇને માવતરે ચાલી જતાં આ પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માયાણીનગર પાસેના ક્વાર્ટરમાં રહેતા જયસુખભાઇ જીવણભાઇ એવડા (ઉ.53) એ પોતાના ઘેર પંખાના હૂકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. સવારે મકાનનો દરવાજો ખુલ્લો હોય પાડોશીએ તપાસ કરતાં આધેડ લટકતા હોય દેકારો કરતા પાડોશના અન્ય લોકો આવી આધેડને ઉતારી જાણ કરતાં 108ની ટીમે આવી તબીબે આધેડને મૃત જાહેર કર્યા હતા. બનાવના પગલે માલવિયાનગર પોલીસ મથકના જમાદાર અરૂણભાઇ ચાવડા સહિતે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.