શહેરના ઘંટેશ્વર પાસેના 25 વારિયા ક્વાર્ટરમાં રહેતી સીમરન બેન ઇર્શાદભાઇ કુરેશી (ઉ.30) તેના બહેનના ઘેર સાધુ વાસવાણી રોડ પર ક્રિષ્ના પાર્કમાં હતી ત્યારે તેનો પતિ ઇર્શાદએ ધસી આવી છરી વડે હુમલો કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. બનાવને પગલે યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ ચૌહાણ સહિતે તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગેની પોલીસની તપાસમાં મેઘા ઉર્ફે સીમરનબેનએ ઇર્શાદ સાથે પ્રેમલગ્ન કર્યા છે અને તેને સંતાનમાં બે પુત્ર હોવાનું મહિલાની બહેન હીનાબેન રોહિતભાઇ ચાવડાએ જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં હીનાબેનની બહેનનો પતિ ઇર્શાદ છેલ્લા કેટલાક સમયથી શંકાઓ કરી ત્રાસ આપતો હોય અને બુધવારે તેના પતિએ સીમરનબેનને મારકૂટ કરતાં ફોન કરી તેડી જવા માટે કહેતા હીનાબેન તેની બહેન અને તેના બે સંતાનોને લઇને તેના ઘેર ક્રિષ્ના પાર્કમાં આવ્યા હતા. બાદમાં તેના પતિ ઇર્શાદએ હીનાબેનને ફોન કરી મારી પત્નીને તમારા ઘેર કેમ રાખી ? કહી ઝઘડો કર્યો હતો અને હું હમણા તમારા ઘેર આવું છું કહી ધસી આવી સીમરનબેનને તું તારા બહેનના ઘેર કેમ આવી કહી છરી વડે હુમલો કર્યો હોવાનું જણાવતા પોલીસે હીનાબેનની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી કરી છે.