હમસફર, દૂરંતો અને ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન રદ, ડેમુ બે દિવસ રદ

રાજકોટ સહિત રાજ્યભરમાં ગત શનિવારથી મેઘરાજા મનમૂકીને વરસી પડ્યા છે. જેને કારણે ટ્રેન, હવાઇ અને બસ સેવાઓમાં સૌથી મોટી અસર જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઇ જવાના બનાવો બન્યા છે. ત્યારે વડોદરા ડિવિઝનના બાજવા સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર ભારે વરસાદને કારણે પાણી ભરાઇ જતાં ટ્રેનના પરિવહન પ્રભાવિત થયા છે. જેમાં રાજકોટથી પસાર થતી કેટલીક ટ્રેનને રદ કરવાની તેમજ કેટલીક ટ્રેનના રૂટને ડાઇવર્ટ કરવાની ફરજ પડી છે.

રાજકોટ ડિવિઝનના સૂત્રે જણાવ્યા મુજબ, તા.27ના રોજ જામનગરથી વડોદરા જતી અને પરત આવતી વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનને તેમજ તા.27ના રોજ હાપાથી મુંબઇ સેન્ટ્રલ જતી દૂરંતો એક્સપ્રેસને રદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જામનગરથી બાંદ્રા જતી હમસફર એક્સપ્રેસ ટ્રેનને પણ મંગળવારે રદ કરવાની ફરજ પડી છે.

ભારે વરસાદને કારણે જબલપુરથી આવતી અને બરૌનીથી આવતી બે ટ્રેનના રૂટને પરિવર્તિત કરવામાં આવ્યા છે. તા.26ના જબલપુરથી ઉપડતી વેરાવળ સોમનાથ એક્સપ્રેસ ટ્રેન વાયા ગોધરા, ડાકોર, આણંદ, અમદાવાદથી દોડાવવાનો અને તા.25ના બરૌનીથી ઉપડતી રાજકોટ સ્પેશિયલ ટ્રેન પણ વાયા ગોધરા, ડાકોર, આણંદ, અમદાવાદ રૂટ પર દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *