રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે સફાઈ કામદારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા સફાઈ કર્મચારીઓ દ્વારા મ્યુનિ. કમિશનર ચેમ્બર બહારની લોબીમાં બેસી રામધૂન બોલાવવામાં આવી હતી. તેમજ ‘જય ભીમ… જય ભીમ’ અને ‘હમારી માગે પૂરી કરો’ સહિતના નારાઓ લગાવીને ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે સફાઈ કર્મચારીઓની કાયમી ભરતી કરવા તેમજ અશક્ત હોય તેના સ્વૈચ્છિક રાજીનામાં મંજૂર કરવા સહિતની માગ કરવામાં આવી હતી. બાદમાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયરની ચેમ્બર બહાર સફાઈ કામદારોએ હોબાળો કર્યો હતો. વિરોધ પ્રદર્શનને જોતા શહેરમાં સફાઈ કામદારો સફાઈ બંધ કરે તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે.
સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ મનોજ ખીમાણિયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં છેલ્લાં 27 વર્ષથી સફાઈ કામદારોની કાયમી ભરતી કરવામાં આવી નથી. કોન્ટ્રાક્ટ પદ્ધતિથી વાલ્મિકી સમાજના લોકોનું શારીરિક, માનસિક અને આર્થિક શોષણ કરાઈ રહ્યું છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવાયાં નથી. સફાઈ કામદારોના પ્રશ્નો ઉકેલવામાં અધિકારીઓ કે પદાધિકારીઓને કોઈ રસ જ ન હોય તે પ્રકારનું વર્તન જોવા મળી રહ્યું છે. જેના કારણે આજે મોટી સંખ્યામાં સફાઈ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.