રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટીબસ સેવા સિનિયર સિટીઝનો માટે આશીર્વાદરૂપ બની રહી છે. 60 વર્ષથી વધુ વયના નાગરિકો માટે વિનામૂલ્યે મુસાફરી પાસ યોજના ગત 15 જુલાઈ, 2024 થી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 37,000 થી વધુ સિનિયર સિટીઝનોએ પાસ મેળવીને વિનામૂલ્યે મુસાફરીનો લાભ લીધો છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી પાસ બનાવવાની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાથી સિનિયર સિટીઝનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં 500 થી 1000 જેટલી અરજીઓ પેન્ડિંગ હોવાથી સિનિયર સિટીઝનો ચિંતામાં મુકાયા છે.
અરજદારોની ઉંમર 60 વર્ષ પૂર્ણ ન થઈ હોવાથી તે પેન્ડિંગ રહે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ રાજપથ લિમિટેડ હેઠળ કુલ 234 સિટીબસ (84 ઇલેક્ટ્રિક બસ અને 150 CNG બસ) 100 જુદા જુદા રૂટ પર દોડાવવામાં આવે છે. મેયર નયના પેઢડીયાએ પેન્ડિંગ અરજીઓ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કેટલીક અરજીઓમાં અરજદારોની ઉંમર 60 વર્ષ પૂર્ણ ન થઈ હોવાથી તે પેન્ડિંગ રહે છે. આ ઉપરાંત, મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો આ સેવાનો લાભ લેવા ઈચ્છતા હોવાથી સર્વર ધીમું ચાલવા સહિતના ટેકનિકલ પ્રશ્નો પણ ઊભા થાય છે, જેના કારણે અરજીઓનો નિકાલ થવામાં વિલંબ થાય છે.
પેન્ડિંગ અરજીઓના પાસ હવે ઝડપથી બનાવી શકાશે મેયર નયના પેઢડીયાએ ખાતરી આપી છે કે, તમામ પેન્ડિંગ અરજીઓનો ટૂંક સમયમાં નિકાલ લાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે અગાઉ સ્માર્ટ કાર્ડ બનાવવાની કામગીરી ઇન-હાઉસ થઈ શકતી નહોતી, પરંતુ હવે આ કામગીરી સ્થાનિક કક્ષાએ શરૂ કરી દેવામાં આવી છે. જેના કારણે પેન્ડિંગ અરજીઓના પાસ હવે ઝડપથી બનાવી શકાશે. તેમના આ પગલાથી સિનિયર સિટીઝનોને પડતી મુશ્કેલી ઓછી થશે તેવી અપેક્ષા છે.