સ્ટેમરિંગના કારણે હ્રિતિક રોશનની મજાક ઉડાવવામાં આવતી

મહેનત સાચી હોય તો સફળતા હંમેશાં પગ ચૂમે છે. બોલિવૂડના ગ્રીક ગોડ તરીકે ઓળખાતા હૃતિક રોશનના જીવનમાં આ લાઇન એકદમ ફિટ બેસે છે.

વર્ષ 2000માં ‘કહો ના પ્યાર હૈ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર હૃતિકે આજે ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂર્ણ કર્યાં છે. તેની પહેલી જ ફિલ્મથી તે રાતોરાત સ્ટાર બની ગયો હતો, પરંતુ સફળતાની સીડી ચડવી તેના માટે બિલકુલ સરળ ન હતી.

હૃતિકે તેના જીવનમાં એક એવો સમય પણ જોયો હતો જ્યારે તેને બે શબ્દો બોલવા માટે કલાકો સુધી પ્રેક્ટિસ કરવી પડી હતી. દુબઈમાં તેની પ્રથમ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ નવોદિત અભિનેતાનો એવોર્ડ મેળવતી વખતે, તે ‘આઈ લવ યુ દુબઈ’ કહેવા માગતો હતો, પરંતુ ‘દુબઈ’ શબ્દનો યોગ્ય રીતે ઉચ્ચાર કરી શક્યો ન હતો. આ માટે તેણે ક્યારેક બાથરૂમમાં તો ક્યારેક અલમારીની અંદર પ્રેક્ટિસ કરી અને પછી એવોર્ડ ફંક્શનમાં ‘દુબઈ’ કહી શક્યો.

આજે, ફિલ્મ ઉદ્યોગ સહિત ઘણા લોકો તેને તેના ડાન્સ માટે ગુરુ માને છે, પરંતુ એકવાર ડૉક્ટરોએ તેમને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો તે ડાન્સ કરશે તો તે ગમે ત્યારે વ્હીલચેર પર બેસવું પડી શકે છે અને તેનું કારણ એક દુર્લભ બીમારી હતી.

પિતા રાકેશ રોશને કહ્યું કે, હૃતિક તેની 25 વર્ષની કરિયરમાં ઘણા અલગ-અલગ પાત્રો ભજવ્યા છે. બોલિવૂડમાં બહુ ઓછા કલાકારો હશે જેમણે આવું કર્યું હશે. ‘કહો ના પ્યાર હૈ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તેણે ડબલ રોલ કર્યો હતો. પરંતુ ‘કોઈ મિલ ગયા’ ફિલ્મ પછી તે એક ગ્રેટ એક્ટર તરીકે ઉભરી આવ્યો. હૃતિક માત્ર પાત્રો જ ભજવતો નથી, તે તેમા જીવ પૂરી દે છે.

હૃતિકે બાળપણથી જ ઘણો સંઘર્ષ કર્યો છે. તેની સૌથી મોટી લડાઈ સ્ટેમરિંગ (બોલવામાં થોથવાવું) સાથે હતી. આ માટે તે કોઈપણ શૂટ પહેલાં ડાયલોગ્સ યાદ કરતો હતો. જો છેલ્લી ક્ષણે કોઈએ ડાયલોગ્સ બદલ્યા હોય, તો તેને ફરીથી યાદ કરવામાં સમય લાગતો. પરંતુ હૃતિકે આ સમસ્યાને દૂર કરવા માટે ઘણી મહેનત કરી હતી. તે દરરોજ હિન્દી અને અંગ્રેજી અખબારો ખૂબ ઉત્સાહથી વાંચતો હતો. તેણે લગભગ 20-25 વર્ષ સુધી આ કર્યું અને થોડાં વર્ષ પહેલાં જ હૃતિકે આ સમસ્યાને સંપૂર્ણ રીતે હરાવી દીધી, જે તેના માટે એક મોટી સફળતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *