કોમેડિયન કપિલ શર્માના ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની ત્રીજી સિઝન 21 જૂનથી OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર શરૂ થઈ ચૂકી છે. આ સિઝનમાં શોનો સેટ પહેલા કરતા ઘણો મોટો અને સુંદર લાગી રહ્યો છે. ત્યારે શોની શૂટિંગ કેવી રીતે થાય છે તે અંગે શોની જજ અર્ચના પુરણ સિંહે માહિતી શેર કરી છે. અર્ચાનાએ વ્લોગ (યુટ્યુબ પર અપલોડ કરવામાં આવતા વીડિયો લોગ) દ્વારા ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની પડદા પાછળની ઝલક દેખાડી છે.
ઓન સ્ટેજ મસ્તીની સાથે બેક સ્ટેજ કેવી રીતે કામ થાય છે, તે દર્શાવ્યું છે. અર્ચના ઉપરાંત તેના પતિ પરમિત સેઠી, દીકરાઓ આર્યમન અને આયુષ્યમાન દ્વારા જજના ટેબલથી લઈને ઓડિયન્સના સિટિંગ અરેન્જમેન્ટ સુધી બધું જ આવરી લેવામાં આવ્યું છે. શોની ત્રીજી સિઝનની ખાસિયત એ છે કે, તેમાં આ વખતે એક નહીં પરંતુ બે જજ છે. પાંચ વર્ષ પછી શોમાં નવજોત સિંહ સિદ્ધુની વાપસી થઈ છે. ત્યારે અર્ચનાના વ્લોગમાં જજની બંને ખુરશી, નવું સેટઅપ જોવા મળી રહ્યું છે.
અર્ચના પૂરણ સિંહે ફેન્સને તેની વેનિટી વાનની અંદરની ઝલક પણ દેખાડી હતી, જ્યાં તે અને તેનો પરિવાર શૂટ માટે તૈયાર થતી વખતે હળવી પળો શેર કરતો જોવા મળ્યો. અર્ચનાએ જણાવ્યું કે, બોલિવૂડનો સુપરસ્ટાર સલમાન ખાન સિઝનનો પહેલો મહેમાન હોવાથી સેટ પર પહેલા દિવસે સુરક્ષા સઘન હતી.