અમદાવાદમાં ફ્લાઈટ ક્રેશ થયાની ગંભીર દુર્ઘટનામાં બી.જે. મેડિકલ કોલેજના સ્ટુડન્ટ, ઈન્ટર્ન અને ડોક્ટર ઉપરાંત મેડિકલ અને નોન મેડિકલ સ્ટાફ ઘવાયા છે અને અમુક મોતને ભેટ્યા છે. મેડિકલ કોલેજ માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરમાં પ્રખ્યાત હોવાથી દરેક વિદ્યાર્થીના પરિવાર સતત સંપર્ક કરીને ઘરે બોલાવવા માંગતા હતા.
આ કારણે દુર્ઘટનાની કલાકોમાં જ હોસ્ટેલના વિદ્યાર્થીઓ પોતાના વતન અને ઘર રવાના થવા લાગ્યા હતા. બીજા દિવસે તો બપોર સુધીમાં જ હોસ્ટેલ 75 ટકા ખાલી થઈ ગઈ હતી. બીજી તરફ અલગ અલગ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી હતી અને સોમવારથી થિયરી અને પ્રેક્ટિકલ પરીક્ષા પણ લેવાનાર હતી. તે પરીક્ષા પણ મોકૂફ રાખવા માટે બી. જે. મેડિકલ કોલેજના ડીને પરિપત્ર કરી નાખ્યો છે. આ કારણે જેટલા બાકી રહ્યા છે તેઓ પણ પોતાના ઘરે જઈ રહ્યા છે.
હોસ્ટેલના વિદ્યાર્થીઓને જમવાની વ્યવસ્થા પીજી હોસ્ટેલમાં કરવામાં આવી હતી જો કે ત્યાં પણ નહિવત જ સંખ્યા મળી હતી. આ કારણે અલગ અલગ ગ્રૂપમાં મેસેજ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્થળ પરથી વિદ્યાર્થીઓ અને સ્ટાફની અલગ અલગ વસ્તુઓ મળી હતી તેને પણ જે તે વ્યક્તિ સુધી પહોંચાડવા પ્રયત્ન થઈ રહ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે, સિવિલના કેમ્પસમાં દુર્ઘટના બની હોવા છતાં ઘવાયેલા મેડિકલ સ્ટુડન્ટ સિવિલને બદલે ખાનગી અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દેવાયા હતા.
હોસ્પિટલમાં વિદ્યાર્થીઓ અને તબીબોને શોધવા માટે હજુ પણ સંપર્કો ચાલી રહ્યા છે પણ તેનો આંક તંત્ર કે પછી મેડિકલ કોલેજ દ્વારા સ્પષ્ટ જાહેર કરાતો નથી. તેઓ એક જ રટણ કરી રહ્યા છે કે, મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાના ઘરે જતા રહ્યા હોવાથી મિસિંગનો આંક મળતો નથી.