ભારતમાં પ્રથમવાર રાજવી પરિવારોનું સન્માન

આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં દેવનગર પાસેના પ્લોટમાં હિન્દુત્વના પ્રતીક અને દેશના વીર પુરુષ એવા મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજના રાજવી વંશજો સહિત દેશના 50થી વધુ મોટા રાજવી પરિવારોના સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું છે. દેશના ઈતિહાસમાં સૌપ્રથમવાર ધાર્મિક અને સામાજિક સ્તરે કાર્ય કરતી વૈશ્વિક સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યનાં અલગ અલગ શહેરોમાંથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ગોતા ખાતે પહોંચી રહ્યા છે. આ કાર્યક્રમમાં મહારાણા પ્રતાપના વંશજ, ઉદેપુરના રાજવી, ગોંડલ સ્ટેટના રાજવી, વાંકાનેર સ્ટેટના રાજવી આવી પહોંચતાં તમામનું ઢોલ-નગારાં સાથે માનભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

દેશભરમાંથી આવી પહોંચેલા રાજવીઓએ સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી તેમજ તમામ રાજવીઓએ શસ્ત્રપૂજન પણ કર્યું હતું. તમામ રાજવીઓ પરિવારના લોકો સાથે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓ અને રાજવીઓએ સાથે મળીને દીપ પ્રાગટ્ય કર્યું હતું. તમામ રાજવી પરિવારને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું છે. દેશભરમાંથી આવેલા રાજવીઓને શાલ ઓઢાડી, સરદાર પટેલની પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, શંકરસિંહ વાઘેલા, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી જાડેજા, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પૂર્વ મહેસૂલમંત્રી કૌશિક પટેલ, મેયર પ્રતિભા જૈન, તમામ ધારાસભ્યો અને નેતાઓ હાજર રહ્યાં છે તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. આજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પાટડી સ્ટેટના રાજવી કુમાર હરપાલસિંહ દેસાઈ અને યુવરાજ યશપાલસિંહ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સાબરમતીના ધારાસભ્ય ડો. હર્ષદ પટેલ અને નારણપુરાના ધારાસભ્ય જિતુ ભગત પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *