સરધાર અકસ્માત મામલે હોન્ડા સિટીનાં ચાલક સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો

રાજકોટનાં સરધાર પાસે ગઈકાલે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં હોન્ડા સિટી તેમજ અલ્ટો કાર ધડાકાભેર અથડાતા આગ ભભૂકી ઉઠી હતી. સમગ્ર ઘટનામાં અલ્ટો કારમાં સવાર 4 લોકોના મોત નિપજ્યા હતા અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ અંગે આજીડેમ પોલીસ મથકમાં હોન્ડા સિટીનાં ચાલક સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો છે. સિંગલ પટ્ટી રોડમાં હોન્ડા સિટી કાર ચાલકે સામે આવીને ટક્કર મારી હોવાથી સર્જાયેલા આ અકસ્માત મામલે આજીડેમ પોલીસ દ્વારા કારચાલક કોણ હતું? તેને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે અને કારચાલક ઝડપાયા બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ-ભાવનગર હાઇ-વે ઉપરનાં સરધાર-ભાડલા રોડ પર આજે હોન્ડા સિટી અને અલ્ટો કાર સામસામે ધડાકાભેર અથડાતા બંને કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ પૈકીની અલ્ટો કારમાં સવાર 35 વર્ષીય નીરૂબેન મકવાણા, તેમની 3 વર્ષીય દીકરી હેતવી મકવાણા તેમજ 22 વર્ષીય હેમાંશી સરવૈયા અને 12 વર્ષીય મિતુલ સાકરીયા સહિતના લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 22 વર્ષીય સાહિલ સરવૈયા, 15 વર્ષીય હિરેન અશોકભાઈ મકવાણા, 40 વર્ષીય નિતુબેન અશોકભાઈ સાકરીયાને ગંભીર ઇજા થતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. સમગ્ર ઘટનામાં એકતા સાકરીયા નામની વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો આ મામલે સામેની હોન્ડા સિટી કારના ચાલકની સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી આજીડેમ પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

અન્ય બવાન રાજકોટમાં એચડીએફસી બેંકની ભક્તિનગર બ્રાન્ચમાં નકલી નોટો ઘુસાડી દીધાનું સામે આવ્યું છે. બનાવ અંગે એચડીએફસી બેંકની ભક્તિનગર બ્રાન્ચનાં આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ દેવાંગ ચીમનલાલ મોટાએ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર ઓગષ્ટ-2024થી લઈ માર્ચ 2025 દરમિયાન અજાણ્યા ગ્રાહકોએ રૂ. 500નાં દરની 230, રૂ. 200નાં દરની 196, રૂ. 100નાં દરની 130, રૂ. 50નાં દરની 30, રૂ. 20નાં દરની 1 અને રૂ. 10નાં દરની 3 નકલી નોટ મળીને કુલ 590 બોગસ ચલણી નોટો ભરણામાં જમા કરાવી દીધી હતી. આરોપીઓએ આ નોટો નકલી હોવાનું જાણતા હોવા છતાં ભરી દઈને ગુનો કર્યો હતો. આ બાબત ધ્યાને આવતા પોતે ફરિયાદ નોંધાવી હોવાનું પણ ફરિયાદમાં તેમણે જણાવ્યું છે. જેના આધારે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *