રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળા અને તેના બહેન દયાબેન વચ્ચે જમીનને લઈ ચાલી રહેલા વિવાદ મામલે બહેન દ્વારા હવે જાહેરમાં પોતાના ભાઈ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. શાપર પોલીસ રમેશભાઈના ઈશારે જ કામ કરતી હોવાનું કહી પોલીસે તેમને પરેશાન કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે, રમેશ ટીલાળાએ આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, મેં પોલીસને કોઈ સૂચના આપી નથી.
રાજકોટ દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય રમેશ ટીલાળા ચર્ચામાં આવ્યા છે. ગઈકાલે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના બહેનને શાપર પોલીસ દ્બારા આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, શાપર પોલીસ રમેશભાઈના ઈશારે જ કામ કરી રહી છે. તેમના કહેવાથી જ મને આખો દિવસ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી હતી. અમારે વારસાઈ જમીન અંગે છેલ્લા 7 વર્ષથી કેસ ચાલી રહ્યો છે જેના કારણે મને આ રીતે હેરાન કરવામાં આવી રહી છે.