HMPVનો કોઈ કેસ ન નોંધાતા રાહત

રાજકોટમાં છેલ્લા બે દિવસોથી ઠંડીમાં ઘટાડો નોંધાયો છે, જેના પગલે હાલ મનપાનાં ચોપડે છેલ્લા સપ્તાહનાં રોગચાળામાં મામુલી ઘટાડો નોંધાયો છે. જેમાં શરદી- ઊધરસનાં 791 તેમજ સામાન્ય તાવના 657 સહિત વિવિધ રોગનાં કુલ 1567 કેસ નોંધાયા છે. છેલ્લા ચાર સપ્તાહથી શરદી-ઉધરસનાં કેસો સતત 1000 કરતા વધુ હતા. જેની સામે વીતેલા સપ્તાહે 791 કેસ નોંધાયા છે. જ્યારે ગત સપ્તાહે કુલ 2000થી વધુ કેસ હતા. જેની સામે ચાલુ સપ્તાહે કુલ 1567 દર્દીઓ સામે આવ્યા છે. તેમજ સૌથી મહત્વની બાબત એ છે કે ઘાતક HMPV વાયરસનો એકપણ કેસ સામે આવ્યો નથી.

પ્રાપ્ત વિગત મુજબ, છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1567 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઊધરસનાં 791 કેસ, ઝાડા-ઊલટીનાં 117, સામાન્ય તાવનાં 657 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અતિ જોખમી ગણાતા ટાઇફોઇડ તાવનો પણ 1 કેસ નોંધાયો છે. તો મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુ અને મેલેરિયાનાં કોઈ કેસ નથી. પણ ચિકનગુનિયાનો 1 કેસ સામે આવ્યો છે. આ આંકડાઓ સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. જોકે ખાનગી ક્લિનિકોને ધ્યાનમાં રાખીએ તો કુલ દર્દીનો આંકડો પાંચગણો હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *