સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ દ્વારા વર્ષમાં બે વખત લેવાતી હિન્દી બાળપોથી, પહલી, દૂસરી અને તીસરી પરીક્ષાઓ 2025ની સાલમાં 27 અને 28 સપ્ટેમ્બરે અનુક્રમે શનિવાર અને રવિવારે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં લેવાશે. હિન્દી કેન્દ્રો માટે આ પરીક્ષાઓનાં અરજીપત્રો ભરવાની છેલ્લી તારીખ 18મી ઓગસ્ટ રહેશે. જ્યારે ભરાયેલ અરજીપત્રો તેની ફીની રકમ સાથે કાર્યાલયમાં પહોંચાડવાની છેલ્લી તારીખ 22મી ઓગસ્ટ નક્કી કરાઈ છે.
બાળકોમાં ભાષા શુદ્ધિ , વ્યાકરણ, જોડણી વગેરેનું જ્ઞાન વધે અને રાષ્ટ્રભાષા પ્રત્યેની અભિરૂચિ વિશેષ કેળવાય એ મુખ્ય હેતુથી લેવાતી આ પરીક્ષામાં સપ્ટેમ્બરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બેસે તે માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે. અત્રે એ પણ યાદ રહે કે આ પરીક્ષા સૌરાષ્ટ્ર કચ્છનાં 400થી વધુ કેન્દ્રોમાં હાલ લેવાય છે.
સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિના મંત્રી ઉપેન્દ્ર રાજ્યગુરુએ જણાવ્યું છે કે, આ સમિતિની હિન્દી પરીક્ષાઓ સૌરાષ્ટ્ર કચ્છના 400 જેટલા કેન્દ્રોમાં લેવાતી હોવા છતાં આ વિસ્તારના ઘણા ગામો તથા શિક્ષણ સંસ્થામાં હજી આ પરીક્ષા લેવાતી નથી. આવા ગામો અને શિક્ષણ સંસ્થાઓના બાળકો હિન્દીના જ્ઞાન અને તેના પ્રમાણપત્રોથી વંચિત ન રહે તે હેતુથી આવા દરેક ગામ અને શિક્ષણ સંસ્થામાં સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ પોતાનાં પરીક્ષા પ્રચાર કેન્દ્રો શરૂ કરવા ઈચ્છે છે. સૌરાષ્ટ્ર કચ્છની જે શિક્ષણ સંસ્થા રાષ્ટ્રભાષા હિન્દીનાં પ્રચાર અને પરીક્ષા કેન્દ્રો શરૂ કરવા ઈચ્છે તેમણે તે શાળાના આચાર્યની ભલામણ સાથે પરીક્ષામંત્રી, સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ, રાષ્ટ્રીયશાળા પ્રાંગણ, મનહર પ્લોટ, રાજકોટ-360002 સાથે પત્ર વ્યવહાર કરવો.