રહેમરાહે નોકરી કરતાં પાંચ કર્મચારીને પૂરો પગાર ચૂકવવા હાઇકોર્ટનો આદેશ

રાજકોટ જિલ્લા પંચાયતમાં રહેમરાહે માસિક રૂ.1500થી 2500માં નોકરી કરતાં પાંચ કર્મચારીને નિમણૂકની તારીખથી એટલે કે 2004થી પૂરા પગાર સાથે નોકરીમાં ગણવાનો હાઇકોર્ટે આદેશ કર્યો છે. જેના પગલે વડી અદાલતના ચુકાદાની અમલવારી માટે ડીડીઓને હુકમ કર્યો છે.

રાજકોટ તાલુકા પંચાયતમાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જે.જી.ત્રિવેદી, સિંચાઇ પેટા વિભાગમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા પી.કે.પાટણવાડિયા, મહેકમ શાખામાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા એમ.જી.મહેતા, ખેતીવાડી શાખામાં ફરજ બજાવતા એન.એન.દવે અને જસદણ તાલુકા પંચાયતમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વી.બી.માંડલિયાએ હાઇકોર્ટમાં રિટ કરી હતી અને હાઇકોર્ટે તે મંજૂર કરી છે. હાઇકોર્ટે આ પાંચેય કર્મચારીને નિમણૂકની તારીખથી મૂળ પગાર ચૂકવવા અને અન્ય લાભો આપવા માટે આદેશ કર્યો છે. હાઇકોર્ટના આ ચુકાદાની અમલવારી માટે જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત વિભાગો અને શાખાઓને આદેશ કર્યો છે અને પિટિશનરોને મળવાપાત્ર લાભોથી વધુ લાભો ન ચૂકવાઇ જાય તે માટે પણ સાવધ રહેવા જણાવાયું છે. પિટિશનરોને તા.1-1-2020થી અથવા પિટિશન દાખલ કર્યા તારીખથી ત્રણ વર્ષ પહેલાં જે મોડું હોય તે તારીખ ધ્યાને લઇ હાઇકોર્ટના ચુકાદા મુજબના પગાર તફાવતના એરિયર્સ સહિતના લાભો ચૂકવવા માટે ડીડીઓએ આદેશ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *