સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદા જુદા કોર્સની પરીક્ષા આપી હોવા છતાં 6 વિદ્યાર્થીને ગેરહાજર બતાવીને ફેલ કરવામાં આવતા દેકારો મચી ગયો હતો. જોકે આ સમગ્ર મામલે કુલપતિ સુધી ફરિયાદ પહોંચતા આ તમામ વિદ્યાર્થીઓના પરિણામ સુધારવા ખાતરી આપવામાં આવી હતી અને તેમાંથી કેટલાકના પરિણામ તો બુધવારે જ સુધારી આપવામાં આવ્યા હતા, જ્યારે બાકીના વિદ્યાર્થીઓના પરિણામ પણ વહેલી તકે સુધારી આપવામાં આવશે.
પરીક્ષામાં હાજર વિદ્યાર્થીને ગેરહાજર બતાવી નાપાસ કરવામાં આવ્યા તેવા 6 વિદ્યાર્થીએ પુરાવા સાથેની રજૂઆત યુનિવર્સિટીના પરીક્ષા નિયામક અને કુલપતિ સહિતનાને કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડાં કરવાનું બંધ કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની ભૂલના કારણે નાપાસ થયા છે તેઓના પરિણામમાં તાત્કાલિક સુધારો કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક દ્વારા આ બાબતે તપાસ કરી વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો કરવાની ખાતરી આપવામાં આવી છે.
જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમની હોલટિકિટમાં સુપરવાઈઝરની સહી પણ કરેલી છે, પરંતુ છતાં જ્યારે પરિણામ આવ્યું ત્યારે એક-એક વિષયમાં 6 વિદ્યાર્થીને નાપાસ કરવામાં આવ્યા હતા. જ્યારે વિદ્યાર્થીનું પરિણામ આવ્યું ત્યારે જ તેમણે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં પરિણામ સુધારવા અરજી પણ કરી હતી, ત્રણ-ચાર દિવસમાં પરિણામ સુધારી આપવાની ખાતરી આપી, પરંતુ 15 દિવસ થવા છતાં કોઈ નક્કર કાર્યવાહી નહીં થતા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ લેવામાં પણ મુશ્કેલી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ કેટલાક વિદ્યાર્થીને માર્કશીટ તાત્કાલિક સુધારી આપી હતી.