દેશમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેમાં પણ ગુજરાતમાં કોરોનાનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ બાદ સૌથી વધુ કેસ રાજકોટમાં નોંધાયા છે એટલે કે કોરોનાનાં હાલ વધી રહેલા સંક્રમણમાં રાજકોટ બીજા નંબરે છે ત્યારે કોરોનાનું સંક્રમણ વધતું અટકાવી શકાય તે માટે મનપા અને જિલ્લા પંચાયતનો આરોગ્ય વિભાગ તેમજ સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ અને ટ્રેસિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટર સાથે ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
કોરોના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 68 પર પહોંચ્યો પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં વધારો યથાવત છે. આજે વધુ 7 નવા કેસ નોંધાયા છે, જેમાં 6 પુરુષ અને 1 મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ નવા કેસો સાથે રાજકોટમાં કોરોના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 68 પર પહોંચ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે.
જોકે, આ વચ્ચે એક રાહતભર્યા સમાચાર પણ છે. આજે વધુ 7 દર્દીઓ કોરોનામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 25 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે અને તેમને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. હાલ રાજકોટમાં કોરોનાના 43 સક્રિય કેસ છે, જેમાંથી 2 દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.