રાજકોટની નાગરિક બેન્કમાંથી એક વ્યકિત પોતે કોઇ લોનમાં જામીન ન હોવા છતાં બેન્કે નોટિસ મોકલી અને તેના પરિણામે તેમનો સિબિલ ખરાબ થતા આ વ્યક્તિને લોન મળી ન હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ અંગે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઇ હતી જેમાં હાઇકોર્ટ દ્વારા રાજકોટ નાગરિક બેન્ક અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને નોટિસ ફટકારી છે. તેમજ વડી અદાલતે જવાબ રજૂ કરવા હુકમ કર્યો છે. તેમજ આરબીઆઇ પણ નાગરિક બેન્ક સામે પગલાં ભરે તેવી માગણી અરજદારના વકીલે કરી છે.
પ્રવીણભાઇ મોહનભાઇ રાઠોડે રાજકોટની નાગરિક બેન્ક દ્વારા થતી પરેશાની અને વ્યથા વર્ણવી આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવેલ કે એકાઉન્ટસ હોલ્ડરને જાણ કર્યા વગર બેન્કે તેમને બારૈયા અલ્પેશ કેશુભાઇ નામે વ્યક્તિની લોનમાં જામીનદાર તરીકે ઉમેરી દીધા હતા તે લોન ભરાતી ન હોવાથી પ્રવીણભાઇને નોટિસ મળતા વર્ષ 2019થી તેઓ બેન્ક સામે ફરિયાદ કરતા આવ્યા છે. જ્યારે રિઝર્વ બેન્કમાં ફરિયાદ કરી હતી ત્યારે નાગરિક બેન્કે તેમની લેખિતમાં માફી માગી હતી. બેન્કની આ ભૂલના કારણે પ્રવીણભાઇનો સિબિલ ખરાબ થઇ ગયો હતો જે સુધારી આપવાની બેન્કે ખાતરી આપી હતી.