નવને કચડી નાખનાર તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલના 103 દિવસ પછી હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા

નવને કચડી નાખનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. હવે બહાર રહી દીકરાને જામીન અપાવવા મહેનત કરશે. 20 જુલાઈની મોડીરાત્રિએ ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે જેગુઆર કારથી લોકોને ઉલાળ્યા હતા. જેમાં 9 લોકોના મોત નીપજ્યા હતા. બાદમાં પ્રજ્ઞેશ પટેલ તથ્યને બચાવવા માટે ઘટનાસ્થળેથી લઈ ગયા હતા. પ્રજ્ઞેશ પટેલે ઘટનાસ્થળે લોકોને ધમકી આપી હતી તે કેસમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં 103 દિવસ બાદ પ્રજ્ઞેશ પટેલને જામીન મળ્યા છે.

પોલીસે કલમ 506 અંતર્ગત પ્રજ્ઞેશ પટેલ સામે ગુનો નોંધ્યો છે. અકસ્માત પોલીસે બંને પિતા-પુત્રને કસ્ટડીમાં લઈને 24 કલાકમાં અમદાવાદ જિલ્લા ન્યાયાલય ખાતે ઉપસ્થિત કર્યા હતા. જેમાં પ્રજ્ઞેશ પટેલે જામીન ન માગતા પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરમતી જેલ ખાતે મોકલી અપાયા હતા. ત્યારબાદ પ્રજ્ઞેશ પટેલે પોતાના વકીલ નિસાર વૈદ્ય મારફતે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. પરંતુ કોર્ટે જામીન ફગાવતા પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી.

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ પર પોલીસે IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2) અને ઝડપથી ગાડી ચલાવવા બદલ મોટર વ્હીકલ એક્ટ 177, 184 તેમજ 134(B) અંતર્ગત ફરિયાદ દાખલ કરીને કોર્ટમાં 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. આ અકસ્માતમાં પ્રજ્ઞેશ પટેલનો આક્ષેપ છે કે, તેઓ ઘટનાસ્થળે આવીને લોકોને ધમકાવીને અને રિવોલ્વર કાઢવાની ધમકી આપીને આરોપી તથ્યને ત્યાંથી હોસ્પિટલ લઈ ગયા હતા. લોકોને ધમકાવવાના ગુના માટે પ્રજ્ઞેશ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી ફગાવ્યા બાદ પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ફાઈલ કરી હતી. જેની ફાઈનલ સુનાવણી 25 ઓક્ટોબરે જજ એમ.આર.મેંગડેંની કોર્ટમાં થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *