સતત બે ટર્મથી કાર્યાલય મંત્રી રહેલા હરેશ જોશીને એકાએક હટાવી હિતેશ ઢોલરિયાની નિમણુંક કરાઈ

ભારતીય જનતા પાર્ટીના સંગઠનમા જ્યારે પણ કોઈ હોદ્દેદારની હકાલપટ્ટી કરવાની હોય તો તેને રાતોરાત છુટ્ટા કરી દેવામાં આવે છે એ પછી શહેર હોય કે પ્રદેશ દરેક જગ્યાએ ત્વરિત નિર્ણય કરવામાં આવે છે. રાજકોટ શહેર ભાજપમાં પણ આવું જ કઈક થયું છે. છેલ્લા 30 વર્ષથી અલગ અલગ સંગઠનમાં હોદ્દો ધરાવતા હરેશ જોષીને શહેર ભાજપ કાર્યાલય મંત્રીના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. 7 ઓક્ટોબરે નિયત સમય પ્રમાણે હરેશ જોષી પોતાનું કામ પૂર્ણ કરતાની સાથે જ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને ત્રણેય મહામંત્રીઓ દ્રારા તેઓને છુટ્ટા કરી આ હોદ્દા પર નવા કાર્યાલય મંત્રી તરીકે હિતેષ ઢોલરિયાની નિમણૂક કરી દેવામાં આવી છે.

રાજકોટમાં છેલ્લી બે ટર્મથી હરેશ જોષી કાર્યલય મંત્રી તરીકે જોડાયેલા છે. કાર્યાલયમાં થતી દરેક કામગીરીથી તેઓ સારી રીતે વાકેફ છે. દરેક બાબતોની ફરિયાદો અને અધિકારીઓને સૂચનાઓ ભાજપ કાર્યલયથી જતી હોય છે. ત્યારે હરેશ જોષીને દૂર કરવા પાછળ શું કારણ છે તે મોટો સવાલ છે. એવી પણ ચર્ચા છે કે હરેશ જોષી સામે ભૂતકાળમાં કેટલીક ફરિયાદો મળી હતી. ત્યારે આ ફરિયાદોને આધારે પણ આ કાર્યવાહી થતી હોય તેવી ચર્ચા છે. હરેશ જોષી પત્રકારો સાથે પણ સંપર્ક ધરાવે છે ત્યારે અવારનવાર કાર્યાલયની વાતો બહાર જતી હોવાનો આક્ષેપ પણ હરેશ જોષી સામે થઈ રહ્યો હતો. ચર્ચાઓ અનેક છે પરંતુ ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે માટે સાચું કારણ શું છે તે અંગે તમામ આગેવાનોએ નેતાઓએ સત્તાવાર કશું બોલવાનો ઇન્કાર કરી મૌન ધારણ કરી લીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *