ઇઝરાયલ પર 7 ઓક્ટોબરે થયેલા હમાસના હુમલાના લગભગ બે મહિના બાદ સોમવારે UNમાં વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇઝરાયલે હમાસ પર ઈઝરાયલની મહિલાઓ વિરુદ્ધ જાતીય અપરાધોનો આરોપ લગાવ્યો હતો.
હમાસે પરિવારોને જીવતા સળગાવી દીધા, માતા-પિતાની સામે બાળકોનાં માથાં વાઢી નાખ્યાં
UNમાં ઇઝરાયલના રાજદૂત ગિલાડ એર્ડાને કહ્યું- 7 ઓક્ટોબરે ઇઝરાયલે બીજા વિશ્વયુદ્ધ પછીના સૌથી મોટા નરસંહારને જોયો. ISIS અને હિટલર દ્વારા કરવામાં આવેલા અત્યાચાર કરતાં ઇઝરાયલવાસીઓ પર ગુજારવામાં આવેલા અત્યાચારો વધુ ખરાબ હતા. તેમણે કહ્યું- હમાસે પરિવારોને જીવતા સળગાવી દીધા, માતા-પિતાની સામે બાળકોનાં માથા વાઢી નાખ્યાં.
હમાસના અત્યાચારો સામે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મૌન રહી
તેમના ગુનાઓ આટલેથી જ અટક્યા નહોતા. હમાસે બળાત્કાર અને જાતીય હિંસાનો હથિયારની જેમ ઉપયોગ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ અત્યાચારો સામે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મૌન રહી હતી. હું સાડા ત્રણ વર્ષથી UNમાં ઇઝરાયલનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું પરંતુ UNની એજન્સીઓ તરફથી આવું વર્તન મેં ક્યારેય જોયું નથી.
હમાસે મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ પર ગોળીબાર કર્યો હતો
ઇઝરાયલે પુરાવા તરીકે મ્યુઝિક ફેસ્ટમાં બચી ગયેલા લોકોની જુબાનીઓના વીડિયો બતાવ્યો. આમાંથી એક સાક્ષીએ જણાવ્યું કે હમાસે મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ પર ગોળીબાર કર્યો હતો. તેમની છાતી અને પ્રાઈવેટ પાર્ટમાં ગોળીનાં નિશાન મળ્યાં હતાં.
જો કે, હમાસે ઇઝરાયલની મહિલાઓના રેપના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. હમાસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ યહૂદીઓ દ્વારા ફેલાવવામાં આવેલું જુઠ્ઠાણું છે જેથી તેઓ પેલેસ્ટાઈન આંદોલનને બદનામ કરી શકે.