શહેરમાં મવડી પાસે ખીજડાવાળા રોડ પર માયાણીનગરના ક્વાર્ટરમાં રહેતા અને જીવરાજ પાર્ક પાસે હેર સલૂન ચલાવતા યુવકે રેસકોર્સમાં ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે પ્ર.નગર પોલીસે તપાસ કરતાં યુવકે મૈત્રીકરાર કર્યા હોય તે યુવતી સહિતની ટોળકીએ તેને બ્લેકમેઇલ કરી તેની પાસેથી રૂ.8.35 લાખ પડાવ્યા હોય અને વધુ ધમકી આપતા હોય જેથી કંટાળી જઇ આ પગલું ભર્યાનો ઉલ્લેખ સાથેની ચિઠ્ઠી મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
માયાણીનગરના ક્વાર્ટરમાં રહેતા કિશોરભાઇ કાન્તીભાઇ હિરાણી (ઉ.40) એ રેસકોર્સ પાસેના ગ્રાઉન્ડમાં ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ કે.કે. ચાવડા સહિતે તપાસ હાથ ધરી હતી. કિશોરભાઇ ચાર બહેનોના એકના એક ભાઇ હોવાનું અને તેને છ માસ પહેલાં વંદના નામની યુવતી સાથે મૈત્રીકરાર કર્યા હતા. તે યુવતીએ લાખો રૂપિયા કિશોરભાઇ પાસેથી પડાવ્યા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો.
દરમિયાન કિશોરભાઇ પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં લખ્યું હતું કે, હું આ બધાની ધમકીથી દવા પી લઉ છું. આ લોકોને સજા આપજો, મને બહુ હેરાન કરે છે. આમાં મેઇન વંદના, અમિત અને કિરણ છે. આ ત્રણેય બધા સાથે આવું કરીને રૂપિયા બનાવે છે. વંદના પાર્લરમાં કામ કરતી હતી. વંદનાના કહેવાથી અમિત દુકાને આવીને ધાક ધમકી આપી પૈસાની માંગ કરતો હતો અને મારી પાસેથી કટકે કટકે રૂ.8.35 લાખ મને બ્લેકમેઇલ કરી લઇ ગયા છે. વંદના અને અમિતના કહેવાથી મારી દુકાનમાં ચોરી કરાવાઇ હતી તેનો મારી પાસે વીડિયો છે. અમિત મારી પાસેથી પૈસા લઇ જતો હતો. અમિત મારા ઘેર આવી માથાકૂટ પણ કરતો હતો. વંદના પહેલા સંબંધ બનાવે અને પછી તેની પાસે પૈસા માગે. અમિત ધાક-ધમકીઓ આપે મારા પાર્લરમાં વંદના કામ કરતી હતી અને મને મારકૂટ પણ કરતી હતી. તેમજ આ ચિઠ્ઠીમાં અમિત, વંદના, કિરણ, હિરેન અને મયૂરીના નામ હોય અને તેના મોબાઇલ નંબર પણ લખેલા હોય. પોલીસે કિશોરભાઇ બેભાન હાલતમાં હોય ભાનમાં આવ્યા બાદ આગળની તપાસ કરશે તેમ પીઆઇ વસાવાએ જણાવ્યું હતું.