ગોંડલમાં ગુરુપૂર્ણિમાએ ભક્તિભાવ છવાયો 11 કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં ઊમટ્યાં શ્રદ્ધાળુઓ

ગુરૂ પૂર્ણિમાના પાવન અવસરે ગોંડલ શહેર ભક્તિના રંગે રંગાયું હતું. શહેરના ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત ભવ્ય ગુરુ પૂજન અને 11 કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ગુરુ-શિષ્ય પરંપરાના આ મહાપર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી.

શહેરના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત રાધે શ્યામ વાડી ખાતે આ દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી જ વાતાવરણમાં ગાયત્રી મંત્રોના પવિત્ર નાદ ગુંજી રહ્યા હતા. વિદ્વાન આચાર્યો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે 11 કુંડી ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ કરાયો હતો. યજ્ઞના પવિત્ર અગ્નિની સાક્ષીએ ઉપસ્થિત સૌ ભક્તોએ આહુતિ અર્પણ કરી સમાજ અને રાષ્ટ્રના કલ્યાણની કામના કરી હતી.

આ પ્રસંગે ગુરુ પૂજનનું પણ વિશેષ આયોજન કરાયુંહતું જેમાં ઉપસ્થિત ગાયત્રી પરિવારના સભ્યો, ભક્તોએ વેદમાતા ગાયત્રી અને યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના ફોટાનું પૂજન-અર્ચન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા ગુરુના માર્ગદર્શન અને જ્ઞાનના પ્રકાશને જીવનમાં ઉતારવાનો સૌએ સંકલ્પ કર્યો હતો. પર્યાવરણ સંરક્ષણનો પ્રેરણાદાયી સંદેશ આ ધાર્મિક આયોજનની સાથે સાથે ગાયત્રી પરિવારે પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ભક્તજનોને પ્રસાદી સ્વરૂપે તુલસીના પવિત્ર રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલ દ્વારા પર્યાવરણના જતન અને સંરક્ષણનો એક ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો, જેની સૌએ પ્રશંસા કરી હતી.સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શહેર અને ગ્રામ્ય પંથકમાંથી આવેલા પરિવારોના સભ્યોના ઉત્સાહ અને શ્રદ્ધાએ આયોજનને વધુ દિવ્ય બનાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *