કેવડિયા અને અમદાવાદ વચ્ચે દર રવિવારે દોડનારી ગુજરાતની પ્રથમ હેરિટજ ટ્રેનનું આજે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે વડાપ્રધાન મોદીએ કેવડિયાથી અમદાવાદ સુધીની નવી હેરિટેજ ટ્રેનને લીલીઝંડી આપી હતી. ત્યાર બાદ ટ્રેન કેવડિયાથી વડોદરા પહોંચી હતી. આ હેરિટેજ ટ્રેનનું વડોદરા સ્ટોપેજ નથી. જોકે પહેલા દિવસે ટ્રેનને 5 મિનિટ સુધી રોકવામાં આવી હતી. જ્યાં ટ્રેનમાં મુસાફરી કરીને આવેલી મહિલાઓએ ટ્રેનની સુવિધાનાં વખાણ કર્યાં હતાં. જોકે વડોદરાના મુસાફરોએ હેરિટેજ ટ્રેનનું વડોદરામાં સ્ટોપેજ આપવા માગ કરી હતી. આ ટ્રેનમાં સફર કરવા માટે 885 રૂપિયા ટિકિટનો ભાવ છે, ફૂડનો અલગ ચાર્જ છે.
હેરિટેજ ટ્રેનના એન્જિનને જૂના જમાનાના સ્ટીમ એન્જિન જેમ જ તૈયાર કરવામાં આવ્યું છે, જેથી મુસાફરોને નેરોગેજ ટ્રેનમાં મુસાફરી કરતા હોય એવો અનુભવ થયો હતો. 3 મહિનાની મહેનત બાદ ઇલેક્ટ્રિક એન્જિનને સ્ટીમ એન્જિન જેવું તૈયાર કરાયું છે. આ ટ્રેનમાં 4 કોચ, ટ્રેનની 100 કિલોમીટરની સ્પીડ છે અને 144 મુસાફરની ક્ષમતા છે. આ ટ્રેનની અંદર ઊભી કરાયેલી AC રેસ્ટોરાંમાં 28 મુસાફર એકસાથે જમી શકશે. આ હેરિટેજ ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરોને અનોખો અનુભવ થશે.