નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) દ્વારા 2024ની બેસ્ટ સંસ્થાઓની યાદી જાહેર કરવામાં આવી છે. NIRF રેન્કિંગ ફ્રેમવર્કિંગમાં ઓવરઓલ ગ્રેડમાં ગુજરાતની માત્ર એક સરકારી યુનિવર્સિટીનો સમાવેશ થાય છે અને તે ગુજરાત યુનિવર્સિટી છે. ઓવરઓલ ટોપ 100માં ગુજરાત યુનિવર્સિટી 94મા ક્રમે છે, જ્યારે યુનિવર્સિટી રેન્કિંગમાં ગુજરાત યુનિવર્સિટી 76મા ક્રમે છે. આ સિવાય ગુજરાતની એક પણ સરકારી સંસ્થાનો સમાવેશ થતો નથી.
કેન્દ્રીય શિક્ષણ વિભાગ દ્વારા NIRF રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ અને સંસાધનો (30%), સંશોધન અને વ્યવસાયિક વ્યવહાર (30%),સ્નાતક પરિણામો (20%), આઉટરીચ અને સમાવેશીતા (10%), અને પર્સેપ્શન (10%)ના આધારે NIRF રેન્કિંગ આપવામાં આવે છે, જેમાં ગુજરાતની માત્ર એક સરકારી યુનિવર્સિટીની NIRFમાં સમાવેશ થયો છે.
દેશની સર્વશ્રેષ્ઠ સંસ્થાઓમાં આઇઆઇટી મદ્રાસ પ્રથમ ક્રમે છે. ઓવરઓલ ટોપ 100માં ગુજરાત યુનિવર્સિટી 94મા ક્રમાંકે આવી છે. યુનિવર્સિટી રેન્કિંગમાં ગુજરાત યુનિવર્સિટી 76મા ક્રમાંકે છે. ઓવરઓલ ટોપ 100મા આઇઆઇટી ગાંધીનગરે 29મા ક્રમાંક મેળવ્યો છે. સ્ટેટ પબ્લિક યુનિવર્સિટીમાં પણ ગુજરાત યુનિવર્સિટીએ 29મો ક્રમાંક મેળવ્યો છે. ટોપ 100 કોલેજમાં ગુજરાતની એક પણ કોલેજનો સમાવેશ થયો નથી.