પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ માદરે વતન ઉત્તર ગુજરાતના મહેમાન બન્યા છે. પ્રધાનમંત્રીએ સવારે 10-30 વાગે અંબાજી મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા. ત્યારબાદ ખેરાલુના ડભોડા (કેસરપુરા) ગામે પહોંચ્યા છે, પ્રધાનમંત્રીએ અહીંથી ઉત્તર ગુજરાત સહિત રાજ્યના સાત જિલ્લાને સીધી રીતે સ્પર્શતા રૂ.5941 કરોડનાં વિવિધ 16 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.
વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો ખેરાલુના ડભોડા ગામે PM મોદીની સભામાં પહોંચ્યા હતા. 600થી વધુ બસો અને અન્ય ખાનગી વાહનોથી ખેરાલુ પંથકના માર્ગો ઉભરાઇ આવ્યા છે. કેટલીક મહિલાઓ એક જ કલરની સાડીઓ પહેરીને સભામાં આવી છે. પ્રધાનમંત્રીને આવકારવા બારોટ સમાજના યુવાનો અલગ જ પ્રકારના સાફા પહેરીને સભામાં પહોંચ્યા છે. મુકેશકુમાર બારોટે જણાવ્યું હતું કે, PM મોદી માટે અમને ગર્વ છે. મોદી અમારા વતનના છે એટલે અમે 300થી વધુ લોકો આવ્યા છીએ. જેમાં 50થી વધુ સાફા અને 50થી વધુ સાડીઓમા મહિલાઓ આવી છે. અમે 7 બસ અને 5 ખાનગી વાહનમાં અહીંયા આવ્યા છીએ.