અમેરિકન સ્ટાઇલમાં ગુજરાત પોલીસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન

પહલગામ હુમલાના બે સપ્તાહ બાદ એક તરફ ભારતે એરસ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં આતંકવાદીઓના કેમ્પનો ખાતમો બોલાવ્યો છે ત્યારે ગુજરાતમાં ગેરકાયદે ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાનું ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત પોલીસે અમદાવાદ, સુરત સહિત રાજયભરના જુદા જુદા શહેરોમાંથી પકડેલા અને ગેરકાયદે રીતે અહીં રહેતા 300 થી વધુ બાંગ્લાદેશીઓને ખાનગી એરક્રાફટ મારફતે બાંગ્લાદેશ પાછા ધકેલી દીધા હોવાનું આધારભૂત પોલીસસુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

પહલગામ હુમલા પછી 27 એપ્રિલે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડવા માટે એક સાથે અમદાવાદ, સુરતમાં ઓપરેશન પાર પાડવાામાં આવ્યું હતુ. અમદાવાદમાંથી 800 જયારે સુરતમાંથી 134 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા તમામના દસ્તાવેજો તપાસવામાં આવ્યા હતા અને તેમની પાસે મળેલા દસ્તાવેજોના આધારે તેઓ ગેરકાયદે રહે છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. સુરતમાં 134 માંથી 90 વ્યકિતઓ ગેરકાયદે હોવાનું તપાસમાં ખૂલ્યુ હતુ. અમદાવાદમાં પણ 200 થી વધુ બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહેતા હોવાનું બહાર આવ્યું હતુ. આ પછી બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ગુપ્તરીતે એરક્રાફટથી અલગ અલગ રીતે 300 થી વધુ બાંગ્લાદેશીઓને ત્યાં છોડી દેવાયા છે. અગરતલા ખાતે ખાનગી એરક્રાફટને ઉતારી ત્યાંથી ખાનગી ગાડીઓ મંગાવી તેમાં બાંગ્લાદેશીઓને છોડી દેવાયા હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *