ગુજરાતની સરકારી સ્કૂલ-RTEના વિદ્યાર્થીઓનું મેરિટમાં નામ આવશે તો 1 લાખથી વધુની શિષ્યવૃતિ મળશે

ગુજરાતભરમાં આજે (22 માર્ચ, 2025) સરકારી શાળામાં ભણતા અને RTE હેઠળ પ્રવેશ મેળવેલા ધોરણ-5માં ભણતા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટેની સામાન્ય પ્રવેશ પરીક્ષા(common entrance test)નું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતની સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા તેમજ RTE હેઠળ પ્રવેશ લેનારાં ધોરણ-5નાં 6.28 લાખ બાળકોએ 2,558 સેન્ટર પરથી આ ખાસ પરીક્ષા આપી હતી. આ પૈકી મેરિટમાં જેના નામ આવે એવાં બાળકોને આગળ અભ્યાસ કરવા માટે રૂ. 1 લાખ કરતાં વધુની સ્કોલરશિપ મળશે. રાજકોટ જિલ્લામાં પણ 113 સેન્ટર ખાતે આ પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ન્યૂ એરા સ્કૂલના 117 સહિત કુલ 22,018 જેટલા છાત્રોએ આ પરીક્ષા આપી હતી.

ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને રક્ષાશક્તિ સ્કૂલ્સમાં ધો. 6માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરિટના આધારે સ્કોલરશિપ યોજના શરૂ કરાઈ છે. વર્ષ 2025-26થી ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની સ્કૂલો (એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (EMRS) અને સૈનિક સ્કૂલ)માં આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)માં મેરિટમાં સમાવેશ થયેલા આદિજાતિના વિદ્યાર્થીઓને ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે. આ માટે કોઈ અલગથી પરીક્ષા લેવામાં આવશે નહિ

પ્રાપ્ત વિગત મુજબ, ગુજરાતમાં આજે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં RTE હેઠળ ધોરણ 5માં અભ્યાસ કરતા 6,28,174 વિદ્યાર્થી 2,558 પરીક્ષા કેન્દ્રો ઉપરથી ધોરણ 6થી 12માં સ્કોલરશિપ માટે CET (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા આપી હતી, જેમાં ગુજરાતી માધ્યમમાં 6,20,678 વિદ્યાર્થી અને અંગ્રેજી માધ્યમમાં 7,496 વિદ્યાર્થી હતા. એ માટે રાજ્યની જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને રક્ષા શક્તિ સ્કૂલ મળી 50 સ્કૂલમાં 30,000 બાળકને પ્રવેશ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *