છેલ્લા બે દિવસથી GSWAN (ગુજરાત સ્ટેટ વાઇડ એરીયા નેટવર્ક) સર્વર બંધ હોવાને કારણે સમગ્ર ગુજરાતની મામલતદાર કચેરીઓમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને, આવકનો દાખલો અને EWS (ઈકોનોમિકલી વિકર સેક્શન્સ) સર્ટિફિકેટ સહિતના અગત્યના પ્રમાણપત્રો કઢાવવામાં પડી રહેલી હાલાકીને કારણે લોકોએ વહીવટી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.
રાજકોટમાં આજે જૂની કલેક્ટર કચેરી ખાતે આવકનો દાખલો કઢાવવા આવેલા લોકોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ત્રણ દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. અસલમ ભાઈ નામના અરજદારે જણાવ્યું કે, ‘મારા સહિત 150 જેટલા લોકોની સમસ્યા છે કે અમે છેલ્લા ત્રણ દિવસથી આવકનો દાખલો કઢાવવા માટે આવીએ છીએ. સવારે 8:00 વાગ્યે આવીએ છીએ અને બપોરે 2:00 વાગ્યા સુધી બેસીને ચાલ્યા જવું પડે છે.’