રાજકોટ સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં ઘેરાયેલી રહેતી હોય છે. જેમાં દવા-ડૉક્ટર્સની અછત તેમજ ઉંદરો-વંદાનો ત્રાસ તેમજ સિક્યુરિટીઓના ગેરવર્તનની બાબતો સમયાંતરે સામે આવી ચૂકી છે. ત્યારે આજે વધુ એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં એક લિફ્ટમેન દરવાજા ખુલ્લા રાખીને આરામથી જમી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ દરમિયાન દર્દીએ લિફ્ટમાં જવાનું કહેતા આ મહાશયે તેને બીજી લિફ્ટમાં જવા માટે કહ્યું હતું. એક જાગૃત નાગરિકે તેનો વીડિયો બનાવી વાઇરલ કરતા આ મામલો પ્રકાશમાં આવ્યો છે અને સિવિલ અધિક્ષક દ્વારા લિફ્ટમેન સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
લિફ્ટમેન દરવાજો ખુલ્લો રાખીને આરામથી જમી રહ્યો હતો પ્રાપ્ત વિગત મુજબ લિફ્ટમેન લિફ્ટના દરવાજા ખુલ્લા રાખીને આરામથી જમી રહ્યો હતો. દરમિયાન જાગૃત નાગરિકે તેની સાથે વાતચીત કરતા તેણે પોતાનું નામ સુરેશભાઈ હોવાનું જણાવ્યું હતું. તેમજ અહીં દર્દીની લિફ્ટમાં તમારે જમવાનું છે? તેમ પૂછતાં આ મહાશયે કહ્યું કે, બે લિફ્ટ તો છે. તો બીજી લિફ્ટ તમારે જમવા માટે છે તેવું પૂછતાં લિફ્ટમેને કહ્યું કે, એવું નથી કોઈ આવે તો અમે લઈ જાય. જેની સામે નાગરિકે કહ્યું કે, હમણાં દર્દી આવ્યા હતા તેને તમે ના પાડી હતી. તેના જવાબમાં લિફ્ટમેન કહે છે કે, મેં નાં પાડી નથી. માત્ર બીજી લિફ્ટ હોવાનું જણાવ્યું હતું. એ લિફ્ટ ના હોય તો આમાં લઈ જ જવાના હોય છે. આમ કહી જે પેશન્ટ હોય તેમને લઈ આવવા જણાવ્યું હતું.