રાજકોટમાં સાયબર ક્રાઈમનો વધુ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જસદણમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતાં યુવાનને એક અજાણ્યા શખસે કોલ કરીને બળજબરીપૂર્વક 15 હજાર પડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ યુવાને તુરંત જ જસદણ પોલીસમાં ફરિયાદ નોંધી હતી.
આ બનાવ અંગે યશ નામના યુવાને ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, તે ગઈકાલે નોકરી પર હતો ત્યારે એક અજાણ્યા શખસનો તેના પર કોલ આવ્યો હતો. આ શખસે કહ્યું કે- તમે કેન્ડી ક્રશ ગેમમાંથી 15 હજારની લોન લીધી છે, જે રકમ તમારે તાત્કાલિક ઓનલાઈન ભરવી પડશે. જોકે, યુવાને તેને કોઈ લોન ન લીધી હોવાનું જણાવતા અજાણ્યા શખસે તેને ધમકી આપી કે, તારા મોબાઈલના બધા ફોન નંબર અને ફોટોઝ મારી પાસે આવી ગયા છે. જો તે પૈસા ન આપ્યા તો હું તારા ફોટોઝને અશ્લીલ રુપે એડિટ કરીને તારા સગા-સંબંધીઓમાં વાઈરલ કરી દઈશ. યુવકે પૈસા ન આપતા થોડી જ વારમાં ફોટો અશ્લીલ રીતે એડિટ કરીને સગા-સંબંધીઓને મોકલી આપ્યા. ફક્ત એટલું જ નહીં વોટ્સએપમાં અલગ-અલગ નંબરો પરથી કૌલ કરીને પૈસાની માંગણી કરતાં પોલીસમાં અરજી કરી હતી.