રણવીર અલ્લાહબાદિયા વિવાદ બાદ, માહિતી અને પ્રસારણ મંત્રાલયે OTT પ્લેટફોર્મને આચારસંહિતાનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. સરકાર દ્વારા જારી કરાયેલી એડવાઇઝરીમાં સલાહ આપવામાં આવી છે કે ક્રિએટર તેના પ્લેટફોર્મ પર કન્ટેન્ટ પબ્લિશ કરતી વખતે દેશના કાયદાઓનું પાલન કરે. મંત્રાલય તરફથી આ એડવાઇઝરી પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયા દ્વારા કરવામાં આવેલી વાંધાજનક કોમેન્ટના થોડા દિવસો પછી જાહેર કરવામાં આવી છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે સંસદ સભ્યો, વૈધાનિક સંસ્થાઓ અને સામાન્ય લોકો તરફથી ઓનલાઈન ક્યુરેટેડ કન્ટેન્ટ (OTT પ્લેટફોર્મ) અને સોશિયલ મીડિયાના ચોક્કસ પ્રકાશકો દ્વારા અશ્લીલ, પોર્નોગ્રાફિક અને વલગર કન્ટેન્ટના પ્રકાશન અંગે ફરિયાદો મળી છે. અશ્લીલ અથવા પોર્નોગ્રાફિક કન્ટેન્ટનું પ્રકાશન એ સજાપાત્ર ગુનો છે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે OTT પ્લેટફોર્મ્સને એડવાઇઝરી આપવામાં આવે છે કે તે કન્ટેન્ટ પ્રકાશિત કરતી વખતે લાગુ કાયદાઓની વિવિધ જોગવાઈઓ અને IT નિયમો, 2021 હેઠળ નીતિશાસ્ત્ર સંહિતાનું પાલન કરે. નૈતિક સંહિતા દ્વારા ઉંમરના આધારે કન્ટેન્ટનું વર્ગીકરણ કરવું જોઈએ. વધુમાં, OTT પ્લેટફોર્મ્સની સેલ્ફ રેગ્યુલેટરી સંસ્થાઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પ્લેટફોર્મ દ્વારા આચારસંહિતાના ઉલ્લંઘન માટે યોગ્ય પગલાં લે.