M.comમાં એડમિશન લેતા BBAના વિદ્યાર્થીઓનો ગુડ એકેડેમિક રેકોર્ડ નહી ગણાય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે અહીં BBAમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને MCOMમાં એડમિશન માટે 3 શરતો મુકવામાં આવી છે જેમાં આવા વિદ્યાર્થીઓનો ગુડ એકેડેમિક રેકોર્ડ ગણાશે નહીં, ભવિષ્યમાં જ્યાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન સળંગ ગણવાનું રહેતું હશે ત્યાં તેમનો નોકરી માટેનો હક્ક રહેશે નહીં તથા વિદ્યાર્થીઓ B.Ed. પાસ કરી વિદ્યાસહાયકની TET-TAT પરીક્ષામાં લાયક ગણી શકશે નહીં. જોકે આ પરિપત્રને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા અને યુનિવર્સિટીના શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડૉ. બારોટે વિદ્યાર્થીઓ માટે નુકસાનકર્તા ગણાવ્યો છે. જેથી કુલપતિ દ્વારા આ પરિપત્ર પરત ખેંચવામાં આવે તેવી માગ કરતી લેખિત રજૂઆત કરી છે.

શું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરિપત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. રમેશ પરમારે કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન વાણિજ્ય વિદ્યાશાખા હેઠળના અનુસ્નાતક અભ્યાસક્રમ ચલાવતી સર્વે કોલેજોના આચાર્યો અને યુનિવર્સિટી સ્થિતિ અનુસ્નાતક ભવનના અધ્યક્ષોને જણાવવામાં આવે છે કે, BBA કરેલ વિદ્યાર્થીઓને MCOMમાં પ્રવેશ આપવા માટે ડીન વાણિજ્ય વિદ્યાશાખા દ્વારા અધિકાર મંડળોની બહાલીની અપેક્ષાએ મંજૂરી આપવા માટે કુલપતિને ભલામણ કરેલ જે કુલપતિએ મંજૂર કરેલ છે. જેની સર્વે સંબંધિતોએ નોંધ લેવી અને નીચે મુજબના નિયમો સાથે તેનો ચુસ્તપણે અમલ કરવા વિનંતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડૉ. નિદત બારોટે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા BBAના વિદ્યાર્થીઓને MCOMમાં પ્રવેશ આપવાનો છે તેવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આવા વિદ્યાર્થીઓનો ગુડ એકેડેમીક રેકોર્ડ ગણાશે નહીં, વિદ્યાર્થી પોતાનો અભ્યાસક્રમ કરતો હોય અને ક્યાંક નોકરીમાં જવાનો હોય ત્યારે તેને ગુડ એકેડેમિક રેકોર્ડની આવશ્યકતા હોય છે. આ ઉપરાંત આ પરિપત્રમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આવા વિદ્યાર્થીઓ TET-TAT પરીક્ષા માટે લાયક ગણાશે નહીં. આ બાબતે મારા મત મુજબ કયા વિદ્યાર્થીની ટેટ અને ટાટની લાયકાત ગણવી તે રાજ્ય પરીક્ષા બોર્ડ, રાજ્ય સરકાર અને કમિશનર ઓફ સ્કુલ નક્કી કરતું હોય છે. આ શરત પણ અયોગ્ય છે. કુલપતિએ જે નિર્ણય કર્યો છે તે પુનઃવિચારણા સ્વરૂપે સક્ષમ સતા મંડળમાં મુકવામાં આવે તેવી મેં માંગણી કરી છે. જેથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં નુકસાન ન થાય અને તેમને ખોટી શરતોને આધીન પ્રવેશ આપવામાં ન આવે પરંતુ તે બિનશરતી હોવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *