સામાજિક કુરિવાજોને તીલાંજલી આપી સમૂહ લગ્ન આજે સમાજની જરૂરિયાત બની ચૂકી છે ત્યારે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ ગોંડલ લેઉવા પટેલની દીકરીઓની વહારે આવ્યું છે. ગોંડલ ત્રણ ખૂણીયા પાસે વોરા કોટડા રોડ પર રોયલ પ્રાઈમ ખાતે આગામી 23 ફેબ્રુઆરીના રોજ, રવિવારે પટેલ સમાજની 31 દીકરીઓનો સમૂહ લગ્નનું આયોજન કરાયું છે.
ગોંડલ સરદાર પટેલ સોશિયલ ગ્રુપ સતત ત્રીજા વર્ષે લેઉવા પટેલ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યું છે ત્યારે આયોજન અંગે બન્ને પક્ષના માતા પિતાની અધ્યક્ષતામાં ખાસ બેઠકનું આયોજન કરાયુ હતું. સરદાર પટેલ સ્કૂલ ખાતે યોજાયેલી મિટિંગમાં ટ્રસ્ટી મંડળ તથા કાર્યકરતા સહિત લેઉવા પટેલ સમાજ તથા તમામ આગેવનો તથા વર-કન્યા પક્ષના વાલીઓ હાજર રહ્યા હતા.
નોંધનીય છે કે, સરદાર પટેલ સોશિયલ ગ્રુપ અને દાતાઓ દ્વારા આ દીકરીઓના લગ્ન અને કરિયાવર સહિતની જવાબદારીઓ ઉઠાવવામાં આવી છે. આ સમૂહ લગ્નનું આયોજન શાહી ઠાઠમાઠથી કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત આ સમુહ લગ્નમાં ભવ્ય મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે. આગામી તા. 17, 18 અને 19 તારીખે ત્રણ દિવસે અલગ અલગ યુગલોને કરિયાવર આપવામાં આવશે. નવ દંપતીને જીવન જરૂરિયાતની 125 થી વધુ વસ્તુઓ કરિયાવરમાં અપાશે. આ સમૂહ લગ્નોત્સવ દરમિયાન લગ્ન મંડપ સ્થળે એક ડોમમાં લેઉવા પટેલ સમાજના ઈતિહાસનું પ્રદર્શન રાખવામાં આવશે, સાથે લગ્ન સ્થળે બ્લડ ડોનેશન કેમ્પ બપોરના 3 કલાકથી સાંજના 9 કલાક દરમ્યાન રાખવામાં આવેલ છે. અત્યાર સુધીમાં સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા વર્ષ 2023 અને 2024માં 31 દીકરીઓના વિવાહ કરવામાં આવ્યા હતા. 2024માં વિદ્યાર્થી સન્માન સમારોહમાં લેઉવા પટેલના 1,000 થી પણ વધારે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું છે.