શહેરના ભૂપેન્દ્ર રોડ પર આવેલા જ્વેલરીના શોરૂમમાં નોકરી કરતાં શખ્સે વેપારી પાસેથી રૂ.4.50 લાખના ચાંદીના દાગીના વેચવા માટે લઇ ગયા બાદ દાગીના કે રકમ પરત નહીં કરી છેતરપિંડી આચરી હતી. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ઋષિકેશ એજોટિકા ફ્લેટમાં રહેતા અને ભૂપેન્દ્ર રોડ પર યોગી કોમ્પ્લેક્સમાં શ્રીજી એપાર્ટમેન્ટ નામે દુકાન ચલાવતાં રમેશચંદ્ર નારણદાસ પાલા (ઉ.વ.65)એ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેની દુકાનમાં નોકરી કરતાં અને મોરબી રોડ ફાટક પાસે રહેતા માધવદાસ જયંતીલાલ ફિચડિયાનું નામ આપ્યું હતું.
રમેશચંદ્રએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની દુકાનમાં માધવદાસ નવેક વર્ષથી નોકરી કરે છે અને બહારગામ દાગીના વેચવા માટે જાય છે, ગત તા.26 જાન્યુઆરીના રોડ દુકાનમાંથી રૂ.4.50 લાખની કિંમતના દાગીના લઇને વેચવા માટે નીકળ્યા હતા અને પરત આવીને કહ્યું હતું કે, અમરેલીમાં આવેલા બાલમુકુંદ જ્વેલર્સમાં દાગીના વેચી નાખ્યા છે અને એકાદ મહિને પૈસા આપી દેશે. મહિનો વિત્યા પછી રમેશચંદ્રએ નાણાંની ઉઘરાણી કરતાં અન્ય બહાના કાઢ્યા હતા અને બાદમાં માધવદાસ હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે વેપારી રમેશચંદ્રએ અમરેલીમાં તપાસ કરી તો માધવદાસે ત્યાં દાગીના વેચ્યા જ નહીં હોવાનું ખુલ્યું હતું.