શહેરમાં ભૂપેન્દ્ર રોડ પર સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં ચાલતી જીગ્નેશદાદાની ભાગવત કથા સાંભળવા જતા વૃદ્ધા અને તેના પરિવારની નજર ચૂકવી કોઇ ગઠિયો રૂ.80 હજારની કિંમતના સોનાના ચેઇનની ચોરી કરી ગયાની શિક્ષકે ફરિયાદ કરતાં એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી ગઠિયાને પકડી લેવા કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી રોડ પર ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા અને ભૂષણ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હિતેશભાઇ રમેશભાઇ ડોલરએ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારા પરિવાર તેમજ સુરત રહેતા મારા બહેન મનીષાબેન અને તેનો પરિવાર ભૂપેન્દ્ર રોડ પર સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં જીગ્નેશદાદાની કથા સાંભળવા માટે ગયા હતા તે દરમિયાન મારા બહેનના સાસુ હેમીબેન નકુમ જીગ્નેશદાદાના દર્શન કરવા માટે તેની કાર પાસે ગયા હતા, પરંતુ લોકોની ભીડ વધારે હોય અને દર્શન કરી પરત આવતા તેના ગળામાં પહેરેલ રૂ.80 હજારની કિંમતનો સોનાનો ચેઇન ગાયબ હોય શોધખોળ કર્યા બાદ નહીં મળતા ફરિયાદ કરી હોવાનું જણાવતા પીએસઆઇ જેઠવા સહિતે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
ચેઇનની ચીલઝડપ કરનાર મહિલા સહિત ચાર પકડાયા મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે પુત્રવધૂ સાથે વોકિંગમાં નીકળેલા વિજયાબેન દેસાઇના ગળામાં ઝોંટ મારી રૂ.1.60 લાખની કિંમતનો સોનાના ચેઇનની ચીલઝડપ કરી બાઇકમાં આવેલા બે શખ્સ નાસી ગયાની બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે બાઇકસવાર સમડીને પકડી લેવા કાર્યવાહી કરી હતી. દરમિયાન પીએસઆઇ ચૌધરી સહિતના સ્ટાફે માહિતીના આધારે પેડક રોડ પરથી ચુનારાવાડમાં રહેતો વિશાલ કિશન સોલંકી અને ઉકા ઉર્ફે સંજય ભૂપત પરમારને ઉઠાવી લીધા હતા અને બન્નેની પૂછતાછમાં ચીલઝડપ કરી સોનાનો ચેઇન ચુનારાવાડમાં રહેતી લાભુબેન મન્નાભાઇ સોલંકીને વેચવા માટે આપ્યો હતો અને લાભુએ ચેઇન વાણિયાવાડીમાં રહેતા ચેતન અરવિંદ જીંજુવાડિયાને વેચી નાખ્યો હોવાનું બહાર આવતા પોલીસે ચારેય શખ્સની ધરપકડ કરી તેની પાસેથી સોનાનો ચેઇન અને બાઇક મળી કુલ રૂ.1.90 લાખની મતા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.