25 જૂન, બુધવારે ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા છે. ભગવાન મામાના ઘરે પરત ફરતાં તેમને આંખો આવી હોવાથી આજે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથનો નેત્રોત્સવ અત્યંત ભક્તિમય માહોલમાં સંપન્ન થયો, જ્યાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાહવો લીધો. મોસાળથી પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથને તેમના ગર્ભગૃહમાં આવેલી રત્નવેદી ઉપર ફરીથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. આ પવિત્ર વિધિ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શહેર પોલીસ કમિશનરના ઉચ્ચ અધિકારીઓ સાથે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. જમાલપુરથી ખમાસા સુધીના રૂટ પર ભયજનક મકાનો અને પોલીસ-બંદોબસ્ત અંગે માહિતી મેળવી અને આ દરમિયાન જમાલપુર વૈશ્ય સભા, મુસ્લિમ સમાજના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો, અને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા તેમનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું.
રથયાત્રાના રૂટના નિરીક્ષણ માટે રંગબેરંગી ફૂલોથી સજાવેલી ખુલ્લી જીપ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જમાલપુર જગન્નાથ મંદિરથી ખમાસા ચાર રસ્તા સુધી રૂટ ઉપર ચાલતાં નિરીક્ષણ કર્યું હતું. ખમાસા ચાર રસ્તાથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને રાજ્ય પોલીસવડા વિકાસ સહાય રંગબેરંગી ફૂલોથી સજાવેલી ખુલ્લી જીપમાં રથયાત્રાના રૂટ ઉપર આગળ વધ્યા હતા. ખુલ્લી જીપમાં પાછળ 50થી વધુ ગાડીઓના કાફલા સાથે હર્ષ સંઘવી દ્વારા રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રથયાત્રા રૂટ ઉપર નિરીક્ષણના કારણે જમાલપુર ખમાસા ચાર રસ્તા પ્રિન્સિપલ કોર્પોરેશન ઓફિસ અને આસ્ટોડિયા દરવાજા પાસે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. ઓફિસ જનારા લોકોને ટ્રાફિકના કારણે મોડું થયું હતું. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.