રાજકોટના સત્યસાઈ રોડ ઉપર એક સપ્તાહ પૂર્વે વાહન લઈને ઘરે જવા નીકળેલી યુવતીને રસ્તામાં ખુલ્લા પડેલા વાયરને કારણે વીજશોક લાગતા તેનું મોત નીપજ્યું હતું. આ મામલે મહાનગરપાલિકાની લાઈટ વિભાગ અને એસ્ટેટ વિભાગ વચ્ચે અત્યાર સુધી જવાબાદરી એકબીજા ઉપર ઢોળવામાં આવી રહી છે. અને કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે, હવે લાઇટ વિભાગે પોતાની તપાસનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં યુવતીના મોત માટે એજન્સી જવાબદાર હોવાનું જણાવ્યું છે. આ રિપોર્ટ હાલ એસ્ટેટ વિભાગને સોંપવામાં આવ્યો છે. અને ટૂંક સમયમાં એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે.
લાઇટ વિભાગના ઇજનેર જીવાણીએ દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી અને PGVCLની સંયુક્ત તપાસમાં જ્યાં દુર્ઘટના સર્જાઈ હતી ત્યાં વીજપોલ પર એડ એજન્સીનું બોર્ડ હતું. અને તેનો વાયર છૂટો રહી જતાં વીજશોક યુવતીને લાગ્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગેનો તપાસ રિપોર્ટ એસ્ટેટ વિભાગને મોકલી આપવામાં આવ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં એસ્ટેટ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, ક્યારે અને કેવી કાર્યવાહી થશે તે અંગે કોઈ સ્પષ્ટતા મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી નથી.