શહેરમાં નવા થોરાળા પાસેના મનહર સોસાયટીમાં રહેતી યુવતીએ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં પોલીસે તપાસ કરતા યુવતીને અગાઉ આંધ્રપ્રદેશના શખ્સ સાથે પ્રેમસંબંધ હોય પરંતુ યુવકનો સ્વભાવ મેળ ન આવતા યુવતીએ સંબંધ તોડી નાંખતા યુવક ફોટા વાયરલ કરવાની ધમકી આપી ત્રાસ આપતો હોવાનું બહાર આવતા પોલીસે પોલીસે યુવતીના પિતાની ફરિયાદ પરથી આંધ્રપ્રદેશના શખ્સ સામે પુત્રીને મરવા મજબૂર કર્યાની ફરિયાદ કરતા થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મનહર સોસાયટીમાં રહેતી મિતલ કિશોરભાઇ સરવૈયા (ઉ.23) એ તા.30ના રોજ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા થોરાળા પોલીસે યુવતીના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી હતી. પોલીસની તપાસમાં યુવતીના પિતા કિશોરભાઇએ જણાવ્યું હતું કે, તેની પુત્રી મિતલને ઇન્ટ્રાગ્રામથી આંધ્રપ્રદેશના બીલ્લા વામસી નામના યુવક સાથે પરિચય થયો હતો.
બાદમાં બન્ને એકબીજા સાથે મોબાઇલમાં વાત કરતા હોય અને બહાર મળતા હતા. બાદમાં બન્ને વચ્ચે ઝઘડો થતા યુવતીએ તેની સાથે સંબધ તોડી નાખ્યો હતો. દરમિયાન બીલ્લા વામસીએ સંબધો રાખવા માટે અવારનવાર દબાણ કરતો અને તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી ત્રાસ આપતો હોય જેથી કંટાળી જઇ મારી પુત્રી મિતલે આપઘાત કરી લીધાનું જણાવતા પીએસઆઇ ધાંધલા સહિતના સ્ટાફે આંધ્રપ્રદેશના બિલ્લા વામસી નામના શખ્સ સામે મરવા મજબૂર સહિતનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.