રાજકોટ સહિત રાજ્યભરની સરકારી યુનિવર્સિટી અને સંલગ્ન સરકારી, ગ્રાન્ટેડ કે ખાનગી કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સમાં પ્રવેશ માટે GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) પોર્ટલ આ વર્ષથી શરૂ કરવામાં આવ્યુ છે. અત્યારે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું છે કે, GCAS ખાનગી યુનિવર્સિટીઓને લાભ અપાવતું પોર્ટલ છે. જેનાથી ખાનગી વિશ્વ વિદ્યાલયોને ઘી-કેળા તો સરકારી યુનિવર્સિટી-ગ્રાન્ટેડ કોલેજોને બરબાદ કરવાનું ષડયંત્ર છે. ગ્રાન્ટેડ કોલેજોના તેજસ્વી વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીઓમાં ઊંચી ફી આપી ભણવા મજબૂર બન્યા છે. રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 60% સીટો ખાલી રહી છે, જ્યારે ખાનગી યુનિવર્સિટીઓમાં હાઉસફુલની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે બતાવે છે કે, GCAS એડમિશન પોર્ટલ સમગ્રપણે ફેઇલ છે. જેથી આ પોર્ટલ નાબૂદ કરવા એક-બે દિવસમાં શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 1,18,240 સીટ સામે 47,714 વિદ્યાર્થીએ એડમિશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં એજ્યુકેશન, સાયન્સ, આર્કિટેક્ચર, આર્ટસ, બિઝનેસ મેનેજમેન્ટ, કોમર્સ, મેડિકલ, હોમ સાયન્સ, લો, પરર્ફોર્મિંગ આર્ટસ સહિતની ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા છે. જોકે, પ્રવેશના પ્રથમ રાઉન્ડના અંતે 60 ટકા જેટલી સીટ ખાલી રહી છે, જ્યારે 40.35 ટકા સીટ ભરાઈ છે. રાજકોટની અન્ય ખાનગી યુનિવર્સિટીની સાપેક્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખુબ જ ઓછી સીટ ભરાઈ તેનુ કારણ એ છે કે, અહીં મોડી પ્રવેશ પ્રક્રીયા શરૂ થઈ અને GCAS પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન ફરજિયાત છે. જ્યારે મારવાડી ખાનગી યુનિવર્સિટીમાં હાલ 940 જેટલી સીટ આ અભ્યાસક્રમોમાં છે અને તેમાં 1,430 જેટલા રજીસ્ટ્રેશન થયા છે. આ અભ્યાસક્રમોમાં એડમિશન કન્ફર્મેશનની પ્રક્રિયા મારવાડી યુનિવર્સિટી ખાતે ચાલુ છે. 789 વિદ્યાર્થીએ એડમિશન પ્રક્રિયા પૂરી કરી દીધી છે. હજૂ 30 જૂન સુધી એડમિશન ચાલુ રહશે. આર. કે. યુનિવર્સિટીમાં 1,260 બેઠક સામે 550 બેઠકો પર વિદ્યાર્થીઓના એડમિશન કન્ફર્મ થઈ ચૂક્યા છે. આત્મીય ખાનગી યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો બેચલર અને માસ્ટર ડિગ્રી સહિતનાં કોર્સમાં 70.66 ટકા સીટ ભરાઈ છે. જેમાં સૌથી વધુ બીએ (અંગ્રેજી, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર) કોઇ પણ એક સ્પેશિયલાઈઝેશનમાં 98.33 ટકા સીટ ભરાઈ ગઈ છે.