શહેરમાં કાલાવડ રોડ નજીક અવધ રોડ પર વીર સાવરકરનગરમાં માવતરના ઘેર રહેતી પરિણીતાને છૂટાછેડા આપવા માટે દબાણ કરી ત્રાસ આપતો પતિ અને સાસુ, સસરા સામે ફરિયાદ કરતાં મહિલા પોલીસે ગોંડલ રહેતા પતિ સહિતના સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વીર સાવરકરનગરમાં માવતરના ઘેર રહેતી ભાવિશાબેન દેવાંગભાઇ ધંધુકિયા (ઉ.35)ના લગ્ન 2016માં ગોંડલ રહેતા અને ટ્રાવેલ્સનો ધંધો કરતા દેવાંગ મયૂરભાઇ સાથે થયા હતા. દરમિયાન તેને સંતાનમાં એક 6 વર્ષની પુત્રી છે. લગ્ન બાદ ભાવિશાબેન સંયુક્ત પરિવારમાં રહેતા હતા. લગ્નને થોડા દિવસો બાદ સાસુ, સસરા અને પતિ ત્રાસ આપતા હોય ફરિયાદ કરી હતી. બાદમાં પતિ સહિતના સમાધાન કરી પરત લઇ ગયા હતા અને ત્યારબાદ પતિ સાથે રાજકોટ મવડી ચોકડી પાસે ભાડાના મકાનમાં રહેતા હોય છ માસ બાદ પતિએ ઘરખર્ચના પૈસા આપવાનું બંધ કરી દીધું અને ટૂરમાં જવાનું કહી જતો રહેતો અને ઘેર કેટલા દિવસે આવતો હતો.
બાદમાં ભાવિશાબેનના પિતા બીમાર હોય જેથી તેના પતિએ ફોન કરી ટૂરમાં જવાનું કહી તેને પિતા બીમાર હોય હોસ્પિટલે લઇ ગયા છે જેથી તું તારા માવતરના ઘેર જતી આવજે તેમ કહેતા તે પુત્રીને પિયર મૂકી પિતાના ઘેર ગઇ હતી. જ્યાં તેના પિતાનું અવસાન થતા તેની વિધિ પૂરી થયા બાદ પતિને ફોન કરતાં તે ટૂરમાં બહારગામ હોવાનું જણાવ્યું હતું અને અમારા ભાડાના મકાનમાંથી સામાન પણ ગોંડલ મોકલી આપ્યો હતો. તેના સસરાને ફોન કરતાં તેને અને સાસુએ પુત્રને છૂટાછેડા આપી દે અને તારો સામાન લઇ જા કહી ઝઘડો કર્યો હતો. બાદમાં મારા સગાં સંબંધીવાળા પાસે જઇ ઘેર મોકલી છૂટાછેડા આપવા માટે દબાણ કરાવતા હોય ફરિયાદ કરતાં મહિલા પોલીસ મથકના જમાદાર રેથડિયા સહિતે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.