કાલે રાજકોટ જિલ્લાની 48 પંચાયતની સામાન્ય અને 22ની પેટાચૂંટણી

ગ્રામપંચાયતની ચૂંટણીને આડે હવે માત્ર ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાની 48 પંચાયતોની સામાન્ય અને 22ની પેટાચૂંટણીના અનુસંધાને 700થી વધુ કર્મચારીઓને ફરજ સોંપી દેવામાં આવી છે તેમજ પી.એસ.આઈ. સહિત પોલીસ સ્ટાફ-હોમગાર્ડઝ જવાનો બંદોબસ્તમાં રહેશે. 84 બિલ્ડિંગમાં 144 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. 60 મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. સોમવારે તાલુકા મથકે મતગણતરી થશે. જો કે ચૂંટણી પૂર્વે જ સરંપચોની 20 અને સદસ્યોની 271 બેઠકો બિનહરીફ થવા પામી છે. આથી, 48 પંચાયતોની સામાન્ય અને 22 પંચાયતોની પેટાચૂંટણી યોજાશે અને 2.18 લાખ મતદારો બેલેટ પેપરથી મતદાન કરશે.

રાજકોટ જિલ્લાની ગ્રામપંચાયત અને પેટાચૂંટણીમાં ઉપલેટાની-3, ધોરાજીની -1, ગોંડલની 6, પડધરીની -1 ,જેતપુરની 3, વીંછિયાની 14, જસદણની 15, જામકંડોરણાની 2 અને રાજકોટ તાલુકાની 3 ગ્રામપંચાયતોનો સમાવેશ થાય છે. જિલ્લામાં અન્ય 22 પંચાયતોની પેટાચૂંટણી યોજાશે જે રસાકસીભરી બની રહે તેવી સંભાવના છે. ચૂંટણીમાં મતદાનનો સમય સવારે 7.00 થી સાંજના 6.00 સુધીનો રાખવામાં આવ્યો છે. ગ્રામપંચાયતોની ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

બંને પક્ષે ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. જે ચૂંટણી કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે તેઓ જિલ્લા અને તાલુકા મથકો પરથી રવાના થઇ તેમના ફરજ સ્થળના મતદાન મથકોનો કબજો સંભાળી લેશે. ગ્રામપંચાયતોની ચૂંટણીની મતગણતરી તાલુકા મથકો પર સોમવારે થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *