રાજકોટના TRP ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ આવતીકાલે સૌપ્રથમ જનરલ બોર્ડની બેઠક યોજાનાર છે. જેમાં અગ્નિકાંડ બાદ પ્રથમવાર ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો સામસામે આવશે. તેમજ કોંગ્રેસે ગેમઝોનના સવાલો ઉઠાવ્યા હોવાથી તડાફડી થવાના એંધાણ છે. જોકે, આ બોર્ડમાં પણ હંમેશાની જેમ ભાજપના નગર સેવકો દ્વારા ગ્રાન્ટ, એકશન પ્લાન, રેસકોર્સમાં રમત-ગમતની સુવિધાઓ તેમજ બગીચાની સંખ્યા જેવી સમય પસાર કરવા માટેની માહિતી પૂછવામાં આવી છે. પરંતુ કોંગી કોર્પોરેટરો લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસના નગરસેવકો દ્વારા ગેમઝોનની મંજૂરીઓ, ચાર વર્ષની ડિમોલિશનની નોટિસ, સાગઠીયાના સમયકાળની ટીપી સ્કીમોની માહિતી માંગવામાં આવી છે.
જનરલ બોર્ડમાં કુલ 20 કોર્પોરેટરોના 40 સવાલ છે. જેમાં કોંગ્રેસના 8 સવાલ હોવાથી તડાફડી થવી નિશ્ચિત છે. આચારસંહિતા બાદ યોજાનાર આ જનરલ બોર્ડમાં 4 મહિના બાદ પ્રજાના પ્રશ્નોની ચર્ચા થવાની છે. ત્યારે ડ્રોથી નક્કી કરાયેલા ક્રમમાં ભાજપના સભ્ય જયોત્સનાબેન ટીલાળાના બે પ્રશ્ર્નો પ્રથમ ક્રમે છે. તો કોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયાએ TRP ગેમ ઝોનની મંજૂરી, અગાઉ લાગેલી આગ સહિતના પ્રશ્નો પૂછતા તેમને બીજા ક્રમે જગ્યા મળી છે.