સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ અને તેની સંલગ્ન કોલેજોમાં વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની કાર્યવાહી જીકાસ પોર્ટલ દ્વારા સંપૂર્ણપણે પૂર્ણ કરી લેવામાં આવી છે અને ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આ પોર્ટલ પર અન્ડર ગ્રેજ્યુએટનું સંપૂર્ણ સીટ એલોટમેન્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને હવે જીકાસ દ્વારા સરકારી યુનિવર્સિટીઓમાં અનુસ્નાતકના વિવિધ અભ્યાસક્રમોમાં ગુરુવારથી રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો છે અને આ રજિસ્ટ્રેશનની કાર્યવાહી આગામી 7મી જૂન સુધી ચાલશે.
રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે જીકાસ પોર્ટલ પર અનુસ્નાતકમાં પ્રવેશ માટે ક્વિક રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે જે 7 જૂન સુધી ચાલશે. સ્નાતક કક્ષાના કોર્સમાં પ્રથમ રાઉન્ડના અંતે 2.56 લાખ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું છે. જોકે તેની સામે ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે. જેના પરિણામે આ વર્ષે સરકારી યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં એડમિશનની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાનો અંદાજ છે.
આ વર્ષે સરકારી યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટું ગાબડું પડે તેવા સંકેતો મળી રહ્યા છે. પોર્ટલ દ્વારા કરવામાં આવેલી સીટ એલોટમેન્ટની જાહેરાત મુજબ વિદ્યાર્થીઓએ પોતાને ફાળવેલી કોલેજ અને કોર્સમાં પ્રવેશ લેવા માટે જે તે કોલેજનો રૂબરૂ સંપર્ક સાધવાનો રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો હતો જે મુજબ સરકારી યુનિવર્સિટીઓમાં અને સંલગ્ન કોલેજોમાં અનુસ્નાતકમાં પ્રવેશ માટે પ્રક્રિયા 7 જૂન સુધી ચાલનારી છે. ગુરુવારથી વેરિફિકેશન સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ શરૂ થઇ ગયું છે. જે 10 જૂન સુધી ચાલશે. ત્યારબાદ તા.16થી 28મી સુધીમાં એડમિશનના ચાર રાઉન્ડ જાહેર કરવામાં આવશે. પોસ્ટ ગ્રેજ્યુએટમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ 16થી 18 જૂન, બીજો રાઉન્ડ 20થી 21 જૂને અને ત્રીજો રાઉન્ડ 24થી 25 જૂને, અંતિમ રાઉન્ડ આગામી 27થી 28 જૂને બહાર પડશે.