GCASનો રકાસ, યુનિવર્સિટીને તાળાબંધી

રાજ્યભરની સરકારી યુનિવર્સિટીમાં GCAS પોર્ટલ દ્વારા એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે આ પોર્ટલમાં ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવીને પ્રવેશ મેળવી રહ્યા છે, જેથી GCAS પોર્ટલ નિષ્ફળ હોવાનો ABVPએ આક્ષેપ કર્યો છે.

આજે (24 જૂન) ગુજરાતભરમાં ABVPએ GCAS પોર્ટલનો વિરોધ કર્યો હતો, જેમાં રાજકોટ, અમદાવાદ, વડોદરાની યુનિવર્સિટીને તાળાબંધી કરીને ‘શિક્ષણમંત્રી હાય હાય’ના નારા લગાવ્યા હતા. આ વિરોધ વચ્ચે ABVPના કાર્યકરો અને પોલીસે વચ્ચે ઘર્ષણ પણ થયું હતું, જેમાં એક કાર્યકરને ઈજા પહોંચી હતી તો એક કાર્યકર બેભાન થઈને ઢળી પડતાં 108 મારફત સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સરકારી 15 વિશ્વ વિદ્યાલયોમાં સ્નાતક અને અનુસ્નાતકક્ષાના પ્રવેશ માટે GCAS મારફત એડમિશન પ્રક્રિયા કરવામાં આવી રહી છે, પરંતુ એમાં અમુક ખામીઓ રહેલી છે, એ બાબતે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને એડમિશન, LLBમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ ન થવી, સ્નાતકના છેલ્લા સેમેસ્ટરના તેમજ પૂરક પરીક્ષાનાં પરિણામો બાકી છે ત્યારે PGના વિદ્યાર્થીઓ માટે પ્રવેશપ્રક્રિયા આ તમામ બાબતોને લઈને ABVPએ વિરોધ નોંધાવ્યો હતો. ABVPના કાર્યકરો દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ વિભાગો બંધ કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને યુનિવર્સિટીના સ્ટાફ સાથે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. બાદમાં કાર્યકરોએ પૂતળા દહન કર્યું હતું. જોકે, આ દરમિયાન પરીક્ષા વિભાગ પણ બંધ કરાવવામાં આવતાં રાજકોટ શહેર ઉપરાંત બહારગામથી આવેલા વિદ્યાર્થીઓને કલાક સુધી હેરાનગતિ ભોગવવી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *